ગાંધીનગર : સરઢવ ગામમાં એક મકાનમાં ઉપર- નીચે રહેતા દેરાણી જેઠાણીની સામાન્ય બોલાચાલીમાં જેઠાણીના ભાઇએ દેરાણીને માર માર્યો હતો. તમે મારી બહેનને કેમ હેરાન કરો છો કહેતા લાકડાથી હુમલો કરી દીધો હતો. જેને લઇ હુમલો કરનાર સામે પેથાપુર પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ ગોમતીબેન અમરતભાઇ રાવળ (રહે, સરઢવ, ઉગમણી ભાગોળ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગામમાં આવેલા બે માળના મકાનમાં હુ ઉપરના માળે અને જેઠાણી નીચે રહે છે. ત્યારે આજે રવિવારે હુ અને મારી દીકરી ઘરે હતા. તે દરમિયાન મારી જેઠાણી ગીતાબેન ભરતભાઇ રાવળનો લીંબોદરામાં રહેતો ભાઇ અરવિંદ ઉકાભાઇ રાવળ આવ્યો હતો. જેમાં મારે શનિવારે પાણીના નળ બાબતે જેઠાણી સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી.
આ બાબતને લઇ જેઠાણી ગીતાબેનનો ભાઇ અરવિંદ કહેવા લાગ્યો હતો કે, તમે મારી બહેનને કેમ હેરાન કરો છો ? તેમ કહીને ગાળા ગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ એકા એક ઉશ્કેરાઇ ગયો હતો અને બાજુમાં પડેલુ લાકડુ માથામાં ફટકારી દીધુ હતુ. માથાકૂટ થતા લોકોના ટોળા વળી ગયા હતા અને મહિલાને મારમાથી બચાવી હતી. આ બનાવને લઇ દેરાણી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સ્થાનિક દવાખાને લઇ ગયા પછી ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મારામારી કરનાર જેઠાણીના ભાઇ સામે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાણીના નળ જેવી સામાન્ય બાબતમાં મહિલા પર હુમલો થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાને વધુ મારમાથી છોડાવી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે મહિલાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બનાવને લઇ ગામમાં ચકચાર મચી હતી.