ચોમાસુ ફરી સક્રિય:આજથી વરસાદનું જોર વધશે

 આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં, કાલે પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં અમુક સ્થળે ભારે વરસાદની ચેતવણી

છેલ્લા થોડા દિવસોથી સામાન્ય ઝાપટા અને અમીછાંટણા જેવા વરસાદ બાદ આજથી ચોમાસુ ફરી સક્રિય થયું છે. આજે વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદ થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે પંચમહાલ છોટાઉદેપુર દાહોદ અને શુક્રવારે ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે.

તારીખ ૭ થી વરસાદની માત્રા અને વ્યાપમાં વધારો થશે. સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં વધુ માત્રામાં વરસાદ પડશે.

વરસાદની સાથોસાથ તોફાની પવન પણ ફૂકાશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. પવનની ગતિ પ્રતિ કલાકના સરેરાશ ૧૨ કિલોમીટર આસપાસ રહેવા પામી છે. ખેડા જિલ્લામાં માતરમાં સવા અને વસોમા પોણો ઈંચ વરસાદ પડી ગયો છે અને હજુ તે ચાલુ છે.

સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 91 તાલુકામાં વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના વડીયા અરવલ્લી જિલ્લાના ધનસુરામાં સવા બે ઇંચ પાણી પડ્યું છે. જ્યારે અમરેલીના બગસરામાં બે ઇંચ વરસાદ થયો છે. ભરૂચ ગાંધીનગર નર્મદા અને તાપી જિલ્લામાં અનેક જગ્યાએ એક થી બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વિપુલ મકવાણા અમરેલી