મહેસાણા : મહેસાણા નગરપાલિકાના ભાજપના નગરસેવક સલીમ વોરા સામે તેમની પત્નીએ ટ્રીપલ તલાક આપી ઘેરથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરતાં ચૂંટણી સમયે જ હોબાળો મચી ગયો છે. રાજ્યના પોલીસવડા સુધી પતિ વિરુદ્ધ ટ્રીપલ તલાકની ફરિયાદ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ પણ મહિલાએ કર્યો છે.

જેને લઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા અને વોર્ડ નં.10માંથી ભાજપના નગરસેવક તરીકે ચૂંટાયેલા સલીમ વોરા ઉપર તેમનાં પત્ની સિદ્દીકાબેને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહ્યા મુજબ, પતિ સલીમ વોરાએ 6 મહિના પૂર્વે તેમને ટ્રીપલ તલાક આપી ઘેરથી કાઢી મૂક્યાં હતાં અને આ અંગે ટ્રીપલ તલાકના કાયદા અંતર્ગત તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે સ્થાનિકથી લઈ રાજ્યના પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પરંતુ, સલીમ મોરા ભાજપના આગેવાન હોવાથી ફરિયાદ દાખલ ન થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 22 વર્ષનાં લગ્નજીવન બાદ પણ ટ્રીપલ તલાક આપી ઘેરથી કાઢી મૂકનાર પતિ સામે વડાપ્રધાનને પણ ટ્વિટ કરી ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હોવાનું સિદ્દીકાબેને જણાવ્યું છે.

સલીમ વોરા જણાવ્યું કે સરીયત મુજબ તલાક આપ્યા છે, ટ્રીપલ તલાક નથી 

પત્નીએ કરેલા ગંભીર આક્ષેપો અંગે નગરસેવક સલીમ વોરાએ જણાવ્યું કે, મેં તલાક આપ્યાં છે પણ ટ્રીપલ તલાક નથી આપ્યા. મુસ્લિમ સમાજની સરિયત મુજબ તલાક આપ્યા છે. મેં ઘેરથી તેને કાઢી મૂકી નથી પણ હું જ મારી મમ્મી સાથે ઘર છોડીને બીજે રહેવા જતો રહ્યો છું. આરોપો ખોટા છે.