મતદારોને રિઝવવા તમામ પાર્ટી એડીચોડીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને મતદારો ચૂંટણી કાર્યાલય સુધી આવે અને પાર્ટી વિશે જાણે તે માટે ઉમેદવારો ચ્હા-નાસ્તાની લ્હાણી કરાવી રહ્યા છે, જેમાં પાંઉભાજી, સમોસા, ગાંઠિયા, ભજિયા, પુલાવ, સમોસા સહિતના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાર્યાલયના ઉદ્દઘાટન બાદ મતદારો આવતા ન હતા ત્યાં હવે મુલાકાત લેતા થઈ ગયા છે. વરાછા, કતારગામ, ઓલપાડ, કરંજ સહિતના ઉમેદવારોના કાર્યાલયો પર મોડી રાત સુધી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતાં આવજ-જાવન વધી છે. આ અંગે એક ઉમેદવારે જણાવ્યું કે, મતદારો ઉપરાંત અમારા કાર્યકરોમાં પણ ઉત્સાહ જળવાયેલો રહે તે પણ અમારી ફરજ બને છે. તમામ પાર્ટીઓના ઉમેદવારો દ્વારા વિવિધ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. કાર્યાલયના શરૂઆતના દિવસોમાં શહેરના અમુક કાર્યાલય પર મતદારોની ભીડ થતી ન હતી. ત્યારે મતદારોને ચૂંટણી કાર્યાલય સુધી લાવવા માટે જે કાર્યાલય પર નાસ્તાની વ્યવસ્થા ન હતી તે કાર્યાલય પર પણ રોજ અલગ અલગ પ્રકારના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
8 વાગ્યાથી સતત ચા અને પાણીની વ્યવસ્થા
અલગ અલગ ઉમેદવારો દ્વારા મુખ્ય કાર્યાલયની સહિત નાના કાર્યાલયો પણ બનાવવામાં આવ્યા છે. કાર્યાલયની મુલાકાત લેતા મતદારોની આગતા સ્વાગતા થાય તે માટેની વ્યવસ્થા ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે કાર્યલય પર જ્યારે કોઈ મતદાર આવે તેમનું ચા અને પાણીની બોટલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાત્રે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.