સુરતના અલથાણ, વેસુ , અડાજણ-પાલ અને સોનગઢનાં મોટા ખેડૂત ખાતેદાર, જમીન દલાલ અને ફાયનાન્સરોના 6 સ્થળો પર આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન 110 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ડોક્યુમેન્ટમાં જમીન-મિલકતની ખરીદી, વેચાણના દસ્તાવેજ, બિલ્ડર્સ અને વેપારીઓને વ્યાજે આપેલા નાણાંના હિસાબની ડાયરીઓ, ટેક્સટાઈલ અને બાંધકામ ઉદ્યોગમાં કરવામાં આવેલા રોકાણની વિગતો સાથેના થેલા ભરી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે અને વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આવકવેરા વિભાગની ડીઆઈ વિંગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતનાં પાલ, અડાજણ, વેસુ, અલથાણ અને તાપી જિલ્લાના સોનગઢમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. જે આજે પૂર્ણ થઈ છે. સર્ચમાં 2 કરોડની રોકડ રકમ અને 1. 50 કિલો સોનું સિઝ કરવામાં આવ્યું છે. વેસુમાં એસ્ટેટ બ્રોકર અને ફાયનાન્સર જામુ શાહ-દોશીને ત્યાં ફિલ્મી ઢબે સર્ચ કાર્યવાહી પહેલા બિલ્ડિંગના ચારે તરફ પાર્કિંગના એરિયામાં આઇટી આધિકારીની ટીમ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં આઇટી અધિકારીઓ ઘરમાં પ્રવેશ કરે એ પહેલા બીજા માળની ગેલેરીમાંથી 50 લાખ રોકડ ભરેલો થેલો અને 50 કરોડની જમીનોના ડોક્યુમેન્ટ ફેંકવામાં આવતાં સીધા પાર્કિંગમાં ઊભેલા અધિકારીઓની નજીક આ થેલો પડતા બેઠો કેચ અધિકારીઓના હાથમાં આવ્યો હતો. ઓપેરશન પહેલાજ અધિકારીઓને માહિતી મળી હતી કે આવું કંઇક થશે એને લીધે અધિકારીઓ પાર્કિંગમાં ગોઠવાઈ ગયા હતાં.

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા એસ્ટેટ બ્રોકર, ફાયનાન્સર ને ત્યાં થયેલી સર્ચ કાર્યવાહીમાં અત્યાર સુધી 2 કરોડની રોકડ અને 4 કિલો સોનુ ઉપરાંત 110 કરોડના દસ્તાવેજ મળી આવ્યાં છે. પાલ-અડાજણના મુન્નાને ત્યાંથી પણ જમીનોના દસ્તાવેજ જપ્ત થયાં છે.

ફાયનાન્સર ધર્મેશ દુર્લભને ત્યાંથી 25 થી 30 કરોડના ડોકયુમેન્ટ મળ્યા

અડાજણના ખેડૂત ખાતેદાર કમ ફાયનાન્સર ધર્મેશ દુર્લભ ને ત્યાં સર્ચ કાર્યવાહી દરમિયાન 25 થી 30 કરોડના ડોક્યુમેન્ટ અને ધિરાણથી આપેલા નાણાંની ડાયરીઓ મળી આવી હતી. કાચી જમીનોના મોટાપાયે ડોકયુમેન્ટ ઘરમાં જ રાખવામાં આવ્યા હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હોવાથી 10 અધિકારીઓની ટીમ અહીં સર્ચ માટે પહોંચી હતી. જપ્ત કરાયેલા કેટલાક ડોક્યુમેન્ટમાં જમીનના કેટલાક સાટાખત એવા હતા જેમાં કાગળ પરની વેલ્યુ અને માર્કેટ વેલ્યુમાં 25 થી 30 કરોડનો ફેર હતો. આ જમીનો કોની માલિકીની છ. કોની પાસેથી ખરીદી, ટ્રાન્જેક્શનના રૂપિયા ક્યાંથી આવ્યા રિટર્નમાં દર્શાવ્યા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.