સુરતમાં વર્ધન જેમ્સના મેનેજરે સાગરીતો સાથે મળીને પોણા ત્રણ કરોડના હીરા બારોબાર ચાઊ કર્યા. હીરા ખરીદનાર દલાલની ધરપકડ કરવામાં આવી.

વરાછા વિસ્તારમાં આવેલી હીરાની કંપનીમાં કામ કરતા મુખ્ય મેનેજર અને તેના સાગરીતોએ રૂ. 2. 75 કરોડના હીરા કંપનીના માલિકોની જાણ બહાર બારોબાર ચાઊ કરી લીધા હતા. ત્યારબાદ ચાઊ કરેલા આ ડાયમંડનુ હીરા દલાલની મદદથી બારોબાર વેંચાણ કર્યુ હતુ. આ હીરા બારોબાર ચાઊ કર્યા હોવાની જાણ હોવા છતા તેના વેચાણમાં મદદગારી કરવાના ગુનાહીત કારનામા બદલ વરાછા પોલિસે કારખાનાના માલિકની ફરીયાદના આધારે હીરા દલાલની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે વરાછાની આ હીરાની કંપનીમાં કામ કરતા મુખ્ય મેનેજરે સાગરીતો સાથે મળી 49 હીરા વેચી માર્યા હતા. તે પૈકી 34 હીરા ભુતપૂર્વ કર્મચારી અને દલાલે સાથે મળી રૂ. 1. 50 કરોડમાં વેચી પૈસા મુખ્ય મેનેજરને આપ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાના ઊંઝાના વાલણ ગામના વતની અને સુરતમાં પાલ આરટીઓ પાસે વૈષ્ણવદેવી લાઈફ સ્ટાઇલ પાસે એફ/901 માં રહેતા 51 વર્ષીય અર્ણવભાઇ ચંદ્રકાંતભાઇ જોષી વરાછા વિસ્તારના ઉમીયાધામ મંદીર પાસે કે. પી. સંઘવી બિલ્ડીંગમાં વર્ધન જેમ્સના નામે હીરાની કંપની ચલાવે છે.

ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું કામ કરતી અર્ણવભાઈની વર્ધન જેમ્સ નામની હીરાની કંપનીમાં નીમેશભાઇ પ્રાગજી ભાઇ દિયોરા(રહે. એ/54, વિઠ્ઠલનગર સોસાયટી, વરાછા, સુરત)પાછલા પાંચ વર્ષથી મુખ્ય મેનેજર તરીકે નોકરી કરે છે. મુખ્ય મેનેજર નીમેશભાઈએ અન્ય મેનેજર સતિષભાઇ મગનભાઇ પરમાર(રહે. ઇ/ 204, સ્વર્ગ રેસીડન્સી, ખોલવડ, તા. કામરેજ, જી. સુરત ), તથા બે વર્ષ અગાઉ કંપનીમાં કામ કરતા દિવ્યેશ દેવજીભાઇ કરકર ( રહે. સી/501, મંગલમ રેસીડન્સી, ઉત્રાણ, સુરત ) તેમજ હીરા દલાલ કુંજન વસંતભાઇ મહેતા ( રહે. ડી/01, નીલકમલ એપાર્ટમેન્ટ, અઠવા, સુરત )સાથે મળી રૂ. 2. 75 કરોડના 49 હીરા કંપનીના માલિકની જાણ બહાર બારોબાર વેચી માર્યા હતા.

આ ઘટનામાં વર્ધન જેમ્સના માલિક અર્ણવભાઈએ પોલિસમાં ફરીયાદ નોંધાવતા 34 હીરા વેચીને રૂ. 1. 50 કરોડ દિવ્યેશ કરકરને આપનાર દલાલ કુંજન વસંતભાઇ મહેતા (ઉ. વ. 35, મુળ રહે. ડભાડ, તા. ખેરાલુ, જી. બનાસકાઠા) ની વરાછા પોલીસે ગતરોજ ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય લોકોને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.