ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. તેમાં પણ પ્રચારને તો અઠવાડિયું જ બાકી રહ્યું છે. ત્યારે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસ અને આપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી ગયાં છે. સ્ટાર પ્રચારકોની ફોજની સાથે સાથે ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીમાં સભાને સંબોધિત કરશે. સાથે જ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી સહિતના નેતાઓ અને આપમાંથી સંજયસિંઘ જેવા નેતાઓ સભાઓ સંબોધીને મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

સુરતની મુલાકાતે આવેલા ગોરખપુરના સાંસદ અને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા રવિ કિશને ડિંડોલી જકાત નાકા ખાતે ઉત્તર ભારતીયોની સભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મને એવું લાગતું નથી કે હું અહીં છુંગુજરાતમાં. તેમણે હાજર લોકોને યોગ્ય નેતૃત્વની ખાતરી આપી અને કહ્યું હતું કે મોદીજીના હૃદયમાં ગુજરાત વસે છે. તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર હોય તો વિકાસ શક્ય છે. રવિ કિશને વધુમાં જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના ઉમેદવાર સંગીતા પાટીલને જંગી બહુમતીથી જીતાડવા માટે તેમણે ઉત્તર ભારતીયો પાસેથી પ્રતિજ્ઞા લીધી હતી. ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવી કિશન સુરતના પ્રવાસે છે અને તેઓએ સોસીયો સર્કલ ખાતે એલાયન્સ હાઉસની મુલાકાત પણ લીધી હતી.