સુરતની એક ખાનગી કંપની સાથે ભેજાબાજે ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 69 લાખથી વધુ ચુનો ચોપડાવી દીધો હતો. કોચીન શિપયાર્ડ કંપનીના નામનું ફેક ઇ-મેલ આઇડી બનાવીને ભેજાબાજે સુરતની ખાનગી કંપનીના ઇમેલ આઇડી પર બિલ મોકલવામાં આવ્યા હતા. કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં બિલના ઇમેલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રિક્વેસ્ટનો મેલ કરવામાં આવ્યો હતો. જેને લઇ કંપનીએ મેલના આધારે રૂપિયા 69 લાખથી વધુના રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કોઈ ભેજાબાજનું કારસ્તાન છે. જેને લઇ કંપની દ્વારા સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે 6 મહિના બાદ ભેજાબાજને દિલ્હીથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.