ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે.જયારે આજુબાજુમાં રહેતા લોકોને પણ ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે.ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયા બચાવવાની લ્હાયમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે, ખરેખર તો આવા બેદરકારી દાખવતા હોસ્પિટલના જવાબદારો સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમજ નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવી જોઇએ એના બદલે નગરપાલિકાના સત્તાધીશો પણ આંખ આડા કાન કરી રહ્યા છે.આ બાબતે અનેક ગૌભકતોએ નગરપાલિકામાં રજુઆતો કરી છે તેમ છતાં રેલ્વે ગરનાળા પાસે માર્કેટયાર્ડની પાછળના ભાગે બાયો મેડિકલ વેસ્ટનો કચરો બિન્દાસ્ત રીતે જાહેર રોડ ઉપર નાખવામાં આવતા ગૌભકતોમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે બાબતે ધાનેરા નગરપાલિકાના કર્મચારી ચીરાગભાઈ સોલંકી અને ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી એલ એન.સોમાણી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ટીમે સ્થળ ઉપર આવી બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોઈ સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકોમા થતી ચર્ચાઓ અબોલ પશુઓ આ બાયો મેડિકલ વેસ્ટનો કચરો આરોગીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે શુ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ મેડીકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે ખરા?