બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા 100 ટકા મતદાનના શપથ લેવડાવાયા

મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા અનુરોધ કરાયો

           ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

             બનાસકાંઠા જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લામાં 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાના ભાગરૂપે " સો ટકા મતદાન અભિયાન " હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી પાલનપુર ખાતે તમામ કચેરીઓના અધિકારીઓશ્રી અને કર્મચારીઓશ્રીને અવસર લોકશાહી અંતર્ગત કોઈપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને જિલ્લામાં 100 ટકા મતદાન થાય એ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત જિલ્લામાં મતદાનને લઈ પ્રજામાં વધુમાં વધુ જાગૃતિ આવે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.

જિલ્લામાં સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બૂથ અવરનેશ ગ્રુપ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બૂથ અવેરનેસ ગ્રુપના સભ્યો બી.એલ.ઓ., શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મધ્યાહન ભોજન સંચાલક વગેરેએ પોતાના ગામના ફળીયા, જહેર સ્થળોએ જઇને મતદારોને ધર્મ, જાતિ, જ્ઞાતિથી પર રહી, કોઈના દબાણને વશ થયા વગર, કોઈપણ પ્રકારના પ્રલોભન વગર, ડર રાખ્યા સિવાય મતદાન કરવા માટે જાગૃત કરી શપથ લેવડાવવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા સો ટકા મતદાન કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારશ્રી વિનુભાઇ પટેલ સહિત જિલ્લા પંચાયત કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.