ડીસા વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એ પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ડીસા બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર અને ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ડીસાના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પડતા મૂકવામાં આવ્યા છે. પ્રવીણ માળીને ટિકિટ મળતા ભાજપ સમર્થકો સહિત સમગ્ર માળી સમાજમાં આનંદની લાગણી છવાઈ છે. ડીસામાં ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે. યુવા નેતા પ્રવીણ માળીને ઉમેદવાર બનાવ્યાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાની ડીસા બેઠક પર ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પડતાં મૂકી યુવા નેતા પ્રવીણ માળીને ઉમેદવાર બનાવ્યા છે. પ્રવીણ માળી ડીસાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર છે અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ભાજપ સંગઠનમાં પણ તેઓ પ્રદેશ યુવા મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. પ્રવીણ માળીને ટિકિટ મળતાં ડીસામાં 20 વર્ષ બાદ માળી સમાજને ટિકિટ મળી છે. ડીસામાં ભાજપમાંથી પ્રથમ વખત જીતનાર પ્રવીણ માળીના પિતા સ્વ.ગોરધનજી માળી હતા.વડીલોના આશીર્વાદ મેળવતા ખુશીના આંસુ ડીસાના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પાર્ટીએ ટિકિટ કાપી તેના પાછળ મુખ્ય કારણ ભાજપના નેતાઓનો આંતરિક વિરોધ હતો. ત્યારે હવે ડીસામાં ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીએ એકદમ યુવા ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા છે. પ્રવીણ માળીને ભાજપની ટિકિટ મળતાં તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર પ્રવીણ માળી જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારને મળતાં ભાવુક થઈ ગયા હતાં અને વડીલોના આશીર્વાદ મેળવતા ખુશીના આંસુઓ છલકાયા હતાં.
ડીસાની ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે ડીસામાં ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ અગાઉ વર્ષ 1998 અને વર્ષ 2002માં સામસામે ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં એક વખત 1998માં ગોરધનજી માળીનો વિજય થયો હતો. જ્યારે 2002માં ગોવા દેસાઈનો વિજય થયો હતો. ત્યારે હવે બંનેના પુત્રો સામસામે છે ત્યારે ડીસાની ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે તે નક્કી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ડૉ.રમેશભાઈ પટેલને સૌ પ્રથમ વખત ત્રિપાંખિયા જંગમાં ઉતાર્યા છે ત્યારે હવે ભર શિયાળે ડીસા વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે જનતા જનાર્દન કોના શિરે તાજ પહેરાવશે તે તો જોવું રહ્યું