આમ આદમી પાર્ટીના કાર્યકરો એ 18% જીએસટી નો ગરબે ઘૂમીને વિરોધ દર્શાવ્યો...
ગરબા પર 18 ટકા GST નો વિરોધ આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ ગરબે ઘૂમીને વિરોધ દર્શાવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની અસ્મિતા સમાન નવરાત્રિનાં તહેવારોમાં આયોજીત થના૨ા ગરબામહોત્સવ પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવતાં ભારે હોબાળો ફાટી નીકળ્યો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા શહેરનાં વેડરોડ ખાતે આવેલ બહુચરાજી મંદિર ખાતે ગરબા પર નાખવામાં આવેલા જીએસટી ટેક્સના વિરોધ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જો કે, આ કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા મોટી સંખ્યામાં આપના નેતા અને કાર્યકરો તેમજ કોર્પોરેટરોની અટક કરવામાં આવી હતી.ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને વિપક્ષ આપ દ્વારા ભાજપ શાસકોને ઘેરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. નજીકના દિવસોમાં આવી રહેલા નવરાત્રીના પર્વને લઈને સરકારે ગરબા આયોજનો પર જે ટેક્સ લગાવ્યો છે, તેના પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.કોરોનાં મહામારીના બે વર્ષ બાદ સુરતીઓ સહિત સમગ્ર રાજ્યના ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે તત્પર છે ત્યારે અચાનક કેન્દ્ર સરકાર દ્વારા ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા ૫૨ જીએસટીને પગલે ખેલૈયાઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા જીએસટી વિરૂદ્ધમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વેડરોડ બહુચરાજી મંદિર ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બહુચરાજી મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમ્યાં બાદ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરો – નેતાઓ અને કાર્યકરો દ્વારા ગરબાનાં આયોજન પર જીએસટી વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. ગરબા આયોજકો દ્વારા જે પાસ ખેલૈયાઓને આપવામાં આવે છે. તેના પર સરકાર દ્વારા જીએસટી લગાડવામાં આવતાં વિરોધ જોવાં મળી રહ્યો છે. વેડરોડ વિસ્તારમાં બહુચરા માતાના મંદિરનાં પ્રાંગણમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત 40 થી 50 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.