સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.