વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના પ્રતિનિધિઓનો વર્કશોપ યોજાયો..

ચૂંટણી ખર્ચ મર્યાદા માટે વિવિધ ચીજ વસ્તુઓ ના પ્રવર્તમાન ભાવો નક્કી કરાયા..

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

 વિધાન સભા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના પ્રતિનિધિઓનો વર્કશોપ યોજાયો હતો. જેમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે રૂ.૪૦ લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ત્યારે વિવિધ ચીજવસ્તુઓના પ્રવર્તમાન ભાવો નક્કી કરવા જરૂરી છે. ચૂંટણી પંચે સુચવેલા ખર્ચની મર્યાદામાં રહીને ઉમેદવારો દ્વારા ખર્ચ કરવામાં આવે તે માટે રાજકીય પક્ષોને સુચના આપવામાં આવી છે..

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રવર્તમાન દરો મુજબ ચા- કોફી, ભોજન, મંડળ, રહેઠાણ, બેનર, હોર્ડિગ, અખબારોમાં આપવામાં આવતી જાહેરાતના દરો, વાહનો ભાડે રાખવા, ટોપી, ખેસ, જનરેટર સહિત વિવિધ ચીજ વસ્તુઓ ના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા.. 

નક્કી કરેલા આ ભાવો મુજબ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. પરોક્ષ ખર્ચ ઉપરાંત ઉમેદવાર દ્વારા પેઇડ ન્યુઝ મારફત જે ખર્ચ કરવામાં આવે છે તેના પર વોચ રાખીને તેનો ખર્ચ પણ ઉમેદવારના ખાતામાં ઉધારવામાં આવશે. તેમણે કહ્યું કે, ઉમેદવારે નોમીનેશનના પહેલાં દિવસે અલગ બેન્ક એકાઉન્ટ ખોલવવાનું રહેશે..

ઉમેદવાર અને તેના એજન્ટનું સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકશે પરંતુ તેના પરિવારના સભ્યો જેવા કે પતિ, પત્નિ અને સગાસંબંધીનું સંયુક્ત ખાતું ખોલાવી શકાશે નહીં..

આ બેંક ખાતાઓના વ્યવહારો પર ચૂંટણી પંચ દ્વારા નજર રાખવામાં આવશે એટલે તમામ હિસાબો રાખવા તેમણે જણાવ્યું હતું..

બેઠકમાં ખર્ચ નિયંત્રણના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિ લ ખરેએ જણાવ્યું કે, ઉમેદવારો દ્વારા જે પણ ખર્ચ કરવામાં આવે તેના તમામ હિસાબો દર્શાવવાના રહેશે એના માટે જિલ્લા કક્ષાએ અને દરેક વિધાનસભા મતવિસ્તારમાં ખર્ચ નિયંત્રણ સેલ બનાવાયો છે..

તેમણે પેઇડ ન્યુઝ વિશે, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજુ કરવાનું સોગંદનામુ અંગે, ઉમેદવારી પત્ર સાથે એફીડેવીટ રજુ કરવામાં આવે તે અંગે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ- બેન્ક એકાઉન્ટ અંગે, ચૂંટણીના ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ અંગે તેમજ ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃગત જાણકારી આપી હતી..

 આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવી, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સર્વશ્રી રાજુભાઇ ડાભી, શ્રી એસ.એન.દેલવાડીયા અને શ્રી શૈલેષભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા..