ચૂંટણીને લગતી પત્રિકાઓ, પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ દર્શાવવા જરૂરીઃ ધર્મ, જાતિ, જ્ઞાતિ વિરૂધ્ધ લખાણ લખી શકાશે નહીં- કલેક્ટરશ્રી આનંદ પટેલ

પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

  વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓને ચૂંટણીલક્ષી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કોઇપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવી કોઇ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં. પત્રિકાઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ વિરૂધ્ધ લખાણ લખી શકાશે નહીં. તેમજ કોઇપણ વ્યક્તિ, જ્યાં સુધી તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પત્રો તેણે મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છાપી કે છપાવી શકશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કહ્યું કે, છાપકામની કામગીરી પછી મુદ્રકે દસ્તાવેજની એક નકલ સાથે એકરારની એક નકલ જિલ્લાના મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને મોકલવી જરૂરી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી વિષયક ભીંતપત્રો, ચોપાનીયા વગેરેના પ્રકાશકે એકરાર માટે નિયત નમૂનામાં જરૂરી વિગતો રજુ કરવાની રહેશે. 

         કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ચૂંટણીની પત્રિકાઓ, પોસ્ટરો વગેરે ઉપર છાપનારના માલિક, મુદ્રક અને પ્રકાશકનું નામ લખવું જરૂરી છે. આ નિયમોના ભંગ કરનાર વ્યક્તિઓ સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૭-ક મુજબ ચૂંટણી પંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

          આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવી સહિત પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.