હર ઘર તિરંગા યાત્રાનો આવતી કાલે સુરત ખાતેથી મુખ્યમંત્રી શુભારંભ કરાવશે. તિરંગા અભિયાનને લઈને અત્યારથી જ વિવિધ પ્રકારના આયોજનો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર પણ આ મામલે સમીક્ષા કરવામાં આવી હતી.
આ વિશે વધુ વિગત આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારી-ખાનગી અને સહકારી તમામ ક્ષેત્રોમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તા. ૧૦ અને તા. ૧૧ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ દોડનું આયોજન કરાયું છે, જેમાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે. તે ઉપરાંત આવતી કાલે તા. ૪ ઓગષ્ટથી તા. ૧૨ ઓગષ્ટ દરમિયાન રાજ્યની તમામ ૮ મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતી કાલે સુરત ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરાવશે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે સમગ્ર દેશમાં 13થી 15 ઑગસ્ટના દિવસોમાં દરેક ઘર પર તિરંગો લહેરાય એવી રાષ્ટ્રભાવના સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 13થી 15 ઑગસ્ટ દરમિયાન કુલ 1 કરોડ ઘર-ઇમારતો પર તિરંગા લહેરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. 50 લાખ તિરંગા શહેરી વિસ્તારમાં તો 50 લાખ તિરંગા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લહેરાવવાનું આયોજન છે.