મોરબીના મચ્છુ નદી ઉપરના ઝૂલતા પુલ ધરાશાયી થવાથી ૧૩૪ થી વધુનો ભોગ લેનાર હૃદય કંપાવનારી ગોઝારી દુર્ઘટનામાં મોરબી પોલીસ તંત્રની ટીમ દ્વારા ઝૂલતા પુલના સમારકામથી લઈને મેનેજમેન્ટ સંભાળનાર એજન્સીના ૯ કર્મચારીઓની ધરપકડ કરી હતી એમાં ૩ કર્મચારીઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજો ગામના હોવાની ખબરો સાથે મોરબીની આ ગોઝારી હોનારતના પડઘાઓએ દાહોદ જિલ્લામાં પણ ખળભળાટ મચાવી દીધો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. કહેવાય છે કે ગરબાડા તાલુકાના ટુંકીવજો ગામના બે ભાઈઓ અલ્પેશ ગલાભાઈ ગોહિલ અને દિલીપ ગલાભાઈ ગોહિલ તથા મુકેશ દલસીંગ ચૌહાણ આ ત્રણેય મોરબીના મચ્છુ નદી ઉપરના ધરાશાયી થયેલા ઝૂલતા પુલ ઉપર સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારી તરીકે નોકરી કરતા હતા. આ ત્રણેયની મોરબી પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવતા દાહોદ જિલ્લામાં સન્નાટાની ખબરો પ્રસરી જવા પામી છે.
મોરબીમાં ગત સાંજે મચ્છુ નદી ઉપરના ઝૂલતા પુલ ધરાશાયી થવાની ગોઝારી દુર્ઘટનામાં ૧૩૪ થી વધુનો ભોગ તથા ૧૦૦ ઉપરાંતને ગંભીર ઈજાઓ પહોંચાડનારી ગોઝારી દુર્ઘટના સંદર્ભમાં સરકાર તરફે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા ઝૂલતા પુલના સમારકામ, મેઈન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ, એજન્સીઓ વિરુધ્ધ ઈ.પી.કો.૩૦૪, ૩૦૮ તથા ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરીને આ ગુન્હાની તત્કાલિક અસરથી તપાસ સંભાળનાર મોરબીના ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ ૯ કર્મચારીઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એમાં ઝૂલતા પુલની આ ગોઝારી દુર્ઘટનામાં ૯ પૈકી ૩ કર્મચારીઓ ગરબાડા તાલુકાના ટુંકીવજો ફળિયાના (૧) અલ્પેશ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫), (૨) દિલીપ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) અને (૩) મુકેશ દલસીંગ ચૌહાણ (ઉ.વ.૨૬)ની મોરબી પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે