અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ ” નિમિત્તે અમરેલી સ્થિત મહિલા આર્ટસ કોલેજમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવાલીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનિઓને ઘરેલુ હિંસા અધિનિયમ - ૨૦૦૫ વિશે વિગતે જણાવવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મહિલાઓ માટેની કાનૂની સહાય, કોર્ટનાં ચુકાદાઓ તેમજ યોજનાકીય માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શૈલેષ કણઝારીયાએ કાયદાકીય બાબતો વિશે જણાવ્યું હતું.
દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શૈલેષ કણઝારીયાએ ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ- ૨૦૦૫ અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમની કાયદાની માહિતી તેમજ તેની ફરિયાદ કોણ સ્ત્રી કરી શકે તેની વ્યાખ્યા વગેરેની સમજ આપી હતી.
એડવોકેટશ્રી હંસાબેન મકાણી દ્વારા ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી, વિવિધ કોર્ટનાં જુદાં - જુદાં ચુકાદાઓ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા મહિલાઓને વિનામૂલ્યે આપવામાં આવતી મફત કાનૂની સહાય અને સલાહ, તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે તે વિશે પણ આ સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ કચેરી દ્વારા વ્હાલી દીકરી, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧ મહિલા અભયમ, મહિલા હેલ્પ લાઈન, (PBSC) મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે પણ કચેરીના અધિકારી -
કર્મચારીઓએ વિગતે માહિતી આપી હતી.
રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી