કેમિકલ કૌભાંડ મામલે બોટાદના બે અલગ-અલગ તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. આ કેમિકલ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 49 લોકોના મોત થયા છે. આ સિવાય 50 થી વધુ લોકો કેમિકલ કૌભાંડની અસરગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે બુટલેગરો અને કેમિકલ ચોર હતા. પરંતુ હવે કંપનીના ડાયરેક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા સમીર પટેલ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળનું કારણ તેમને વિદેશ ભાગી જતા અટકાવવાનું છે. તે જ સમયે, પોલીસે સમીર પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધવા માટે કોર્ટમાં અરજી કરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયેશ નામનો આરોપી સમીર પટેલની એમોસ કંપનીમાંથી આ કેમિકલની ચોરી કરીને બુટલેગરોને આપતો હતો. આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલામાં બે આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે અને પીએસઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કેમિકલ કૌભાંડની તપાસ IPS અધિકારી નિર્લિપ્ત રાયને સોંપાતાની સાથે જ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ કેસમાં આઇપીએસ અધિકારીનું નિવેદન લેવા સોમવારે એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિત ચાર લોકોને બરવાળા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ આવ્યું ન હતું.

આ કેસમાં બોટાદ પોલીસે અમદાવાદમાં રહેતા ચાર ડિરેક્ટરો સામે કાર્યવાહી કરીને વહેલી સવારે તેમના ઘરની તલાશી લીધી હતી. સર્ચ દરમિયાન ઘરમાં બે લોકો હાજર હતા, પરંતુ સમીર પટેલ ઘરે મળી આવ્યો ન હતો. હવે આ મામલે તેમની સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સમીર પટેલ એમોસ એન્ટરપ્રાઇઝ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ કેસમાં કેમિકલ ચોરી કરનાર જયેશે કોર્ટ સમક્ષ ચોરીની કબૂલાત પણ કરી છે. આરોપી જયેશ પટેલે એમોસ કંપનીમાં નોકરી કરતાં 600 લીટર મિથેનોલની ચોરી કરી હતી. તે આ કેમિકલ બુટલેગરોને વેચતો હતો.