ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે: શ્રમ-રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ કુમાર મેરજા
શ્રમ-રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ કુમાર મેરજાએ આજે ધનતેરસના પાવન દિવસે ગાંધીનગરના સેક્ટર ૬માં આવેલ કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા કહ્યું કે ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.
મંત્રી શ્રી મેરજાએ કહ્યું કે, રાજ્યના શ્રમયોગીઓના આર્થિક - સામાજિક ઉત્થાન માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી રાજ્ય સરકારની અનેક જનહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકાર હર હંમેશ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા એવા શ્રમિક ભાઈ - બહેનોની પડખે રહી છે અને રહેશે.
મંત્રી શ્રી મેરજાએ ઉમેર્યું કે શ્રમયોગીઓને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, મરચા અને ગોળ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 22 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.