સુરતના બારડોલીમાં લૂંટ અટકાવનાર યુવક આદિલનું ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

સુરત જિલ્લાના બારડોલીમાં બે દિવસ અગાઉ ચીલઝડપ કરીને નાસી રહેલા બે ઈસમોને સાહસ બતાવીને પીછો કરી લૂંટ થતી અટકાવનાર બારડોલીના યુવક આદિલનું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું. બારડોલી પોલીસ સ્ટેશન પાસેથી કારનો કાચ તોડીને 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થનાર બે આરોપીઓને આદિલે મોપેડ પર દોઢથી બે કિલોમીટર સુધી પીછો કર્યા બાદ લૂંટારૂઓને રૂપિયા ભરેલી બેગ ફેંકવા મજબૂર કર્યા હતા. આ અદમ્ય સાહસ બતાવનાર આદિલનું પ્રશંસા પત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું છે. બારડોલી પોલીસ સ્ટેશન નજીક બે દિવસ અગાઉ સાંજના સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી રૂ. 20 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. રોડની સાઈડ ઊભેલી રાજેન્દ્ર સોલંકીની કારમાંથી કાચ તોડીને બે લૂંટારો રૂ. 20 લાખ ભરેલી બેગ લઈને ભાગી રહ્યા હતા. તે નિહાળીને આદિલ મેમણ નામના યુવકે આ બંનેનો પીછો કર્યો હતો. અને પોતાના મોબાઈલમાં વીડિયોવિડીયો પણ બનાવ્યો હતો. પીછો કરતા કરતા આદિલ આ બંને ઈસમોની પાછળ લગભગ દોઢ થી બે કિલોમીટર સુધી ગયો હતો. જ્યારે લૂંટારુઓને લાગ્યું કે તેઓ પકડાઈ જશે એટલે તેઓ રૂપિયા ભરેલી બેગ નાખીને ફરાર થઈ ગયા હતા. આદીલે પોતાની સૂઝબૂઝ દાખવીને આટલી મોટી લૂંટ થતા અટકાવી હતી. જેને કારણે સુરત રેન્જ આઇ. જીની સૂચના હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ આદિલનું સન્માન કરવામાં આવ્યું હતું. બારડોલીના રહેવાસી આદિલ મેમણ દ્વારા લૂંટારૂઓનો ન માત્ર પીછો કરવામાં આવ્યો પરંતુ પીછો કરવાની સાથે તેણે મોબાઈલમાં તેઓનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઇ તે પોલીસને ખૂબ જ મદદરૂપ થયો છે. આદિલ મેમણની આ પ્રકારની બહાદુરી બતાવવા બદલ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે. તે અંતર્ગત ગ્રામ્ય પોલીસ દ્વારા આદિલને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયો હતો. સાથે પાંચ હજાર રૂપિયાનો ચેક પણ પુરસ્કાર રૂપે આપી બહાદુરીનું ઇનામ આપવામાં આવ્યું હતું. આદિલની વીડિયોગ્રાફીથી આજે પોલીસને આરોપીઓની ઓળખ કરવામાં સફળતા મળી છે. જેને લઇ આ કેસમાં વિવિધ ટીમો દ્વારા લૂંટમાં સંડોવાયેલ ઇસમોની ઓળખ પણ કરી લીધી છે. તેમને પકડવા પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગઈ છે. આદિલ મેમણની બહાદુરીને અને સમય સૂચકતાને કારણે ખૂબ જ મોટી લૂંટની ઘટનાને લૂંટારૂઓ અંજામ આપી શક્યા ન હતા. જેને લઇ પોલીસે તેનું સન્માન કર્યું હતું.