ઊંઝા તાલુકાના કામલી ગામની સીમમાં વરિયાળીમાંથી બનાવટી જીરું બનાવતી ફેક્ટરીને મહેસાણા એસઓજીએ ઝડપી પાડી છે. પોલીસે ઘટના સ્થળેથી બનાવટી જીરું તેમજ ટ્રેક્ટર, થ્રેસર સહિત રૂ. 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે બનાવટી જીરું બનાવનાર ફેક્ટરીનો માલિક મળી આવ્યો ન હતો.

રેડ અંગે એફએસએલ તેમજ ફૂડ વિભાગને જાણ કરી બોલાવાઇ હતી.મહેસાણા એસઓજીના હિતેન્દ્રસિંહ અને શક્તિસિંહને કામલીની સીમમાં કામલીથી ખળી જવાના રસ્તા ઉપર બનાવટી જીરું બની રહ્યું હોવાની મળેલી ખાનગી બાતમીને આધારે પીઆઇ એ.યુ. રોઝ દ્વારા ટીમો બનાવી પીએસઆઇ વી.એન. રાઠોડ તેમજ નારાયણસિંહ, દિલીપ ચૌધરી, કેયુર ચૌધરી, પારખાંનજી અને યુવરાજસિંહ સહિતની ટીમોએ કામલી ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં રેડ કરી હતી.

વરિયાળીમાંથી પ્રોસેસ કરીને બનાવેલ જીરુ ફેક્ટરીમાં પાથરેલું હતું. બનાવટી જીરાનો તૈયાર માલ પ્લાસ્ટિકની બેગમાં ભરી વેચાણ માટે તૈયાર કરીને મૂકાયો હતો. પોલીસે ફેક્ટરી ઉપરથી ટ્રેક્ટર, થ્રેસર, જીરુ બનાવવા માટેની કાચી વરિયાળી, પાવડર સહિત અંદાજે રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિજય પટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. 

કેવી રીતે બનાવતા 
ઝડપાયેલી ફેક્ટરીમાં કાચી વરિયાળીમાં પાવડર અને કેમિકલનું મિશ્રણ નાખી તેને મિક્સ કરી સુકવી બનાવટી જીરું બનાવવામાં આવતું હોવાનું પોલીસે જણાવ્યું હતું.