નિર્ધૂમ ચૂલ્લો મળતા અમારા સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની જાળવણી પણ થશે : લાભાર્થી વાલજીભાઈ પરમાર
ધારીના કરેણના રહેવાસીને વન વિભાગની કલ્યાણકારી યોજના હેઠળ નિર્ધૂમ ચૂલ્લો અપાયો
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો જ, હાથોહાથ મળે તેવા આશયથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે ગરીબ કલ્યાણ મેળાની શરુઆત કરાવી હતી. આ શ્રૃંખલાના ભાગરૂપે અમરેલીમાં તા.૧૪ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ-ચેક અને સાધનો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં ધારી તાલુકાના કરેણ ગામના રહેવાસી વાલજીભાઈ પરમારને વન વિભાગની યોજના અંતર્ગત નિર્ધૂમ ચૂલ્લો આપવામાં આવ્યો હતો.
લાભાર્થી વાલજીભાઈ પરમારે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, અગાઉ અમે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા, એ દરમિયાન મને જાણવા મળ્યું કે વનવિભાગ દ્વારા નિર્ધૂમ ચૂલ્લો આપવામાં આવે છે. તેના ઉપયોગથી સ્વાસ્થ્યને સહેજ પણ જોખમ થતું નથી. મેં આ યોજના હેઠળ નિર્ધૂમ ચૂલ્લો મેળવવા માટે અરજી કરી અને એક અઠવાડિયામાં મારી અરજી મંજૂર થઈ જતા મને આજે ગરીબ કલ્યાણ મેળામાં તે લાભ આપવામાં આવ્યો છે. હવે અમે તેનો રસોઈ બનાવવા માટે ઉપયોગ કરી શકશું, જેથી મારા પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વધુમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ ન થવાથી પર્યાવરણની જાળવણી પણ થશે.
નિર્ધૂમ ચૂલ્લો સૌર ઉર્જાથી સંચાલિત હોય છે, લાભાર્થીને આ યોજના હેઠળ મળેલી સહાય બદલ તેમણે વનવિભાગ તેમજ રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના ૨,૩૬૨ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા જેમને રુ.૮ કરોડથી વધુ રકમના લાભો પ્રાપ્ત થયા છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા / અમરેલી.