અમદાવાદ 

વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન કિસ્સો બહાર આવ્યો છે. ફરી એક વખત વિદેશના વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથક માં નોંધાતા પોલીસે બે ઠગબાજોને ઝડપી પાડયા છે. બંનેએ આશરે 30 લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ અનત સુથાર અને રવિ સુથાર છે. બંને આરોપીઓ પિતરાઈ ભાઈ છે.
બંને આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સી.જી. રોડ ખાતેના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી. બંને વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, USA સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહીને અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા.નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હોવાનું ઝોન 1 ડીસીપી ડો. લવીના સિંહા એ જણાવ્યું છે. આરોપીઓએ વર્ષ 2019માં ટ્રાવેલ એજ્યુકેશન નામની ઓફિસ ખોલી વિદેશમાં વિદ્યાર્થીઓને વર્ક પરમીટ, સ્ટુડન્ટ વિઝા અને ટુર વિઝા આપવાનો દાવો કરી એક વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ખંખેરી વર્ક પરમીટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ટૂર વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. બાદમાં ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના વર્ષ 2022માં પાટિયા પાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.વારંવાર વિદ્યાર્થીઓ આરોપીઓની ઓફિસ ખાતે ધક્કા ખાઈ કંટાળતા અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ હાલ 30 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ બંને આરોપી પિતરાઈ ભાઈઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે? કેટલા રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે? સાથે જ પોલીસ અપીલ કરી રહી છે કે આવા લેભાગુ તત્વોથી દૂર રહેવું. યોગ્ય તપાસ બાદ જ આવા એજન્ટોનો સંપર્ક કરીને પૈસાની આપ લે કરવાની પોલીસે સલાહ આપી છે.