સુરત શહેરના પુણા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો એ માટલા ફોડી વિરોધ નોંધાવી.
સુરતના પુણા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પુણા વિસ્તારની પ્રમુખ પાર્ક સોસાયટીમાં પાણી ન મળતાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પાણીના ખાલી માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ભાજપ-આપ સામે નારાજગી વ્યક્ત કરાઈ
પુણા વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી પાણી ન મળવાના કારણે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું હતું કે, પાલિકામાં ભાજપનું શાસન છે. સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છે. પરંતુ ભાજપ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ જ કામ કરવામાં આવતું નથી. જેથી અમે આ બન્ને પક્ષની વિરૂદ્ધમાં નારેબાજી કરી છે.ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
પ્રમુખ પાર્ક સોસાયટીની મહિલાઓએ કહ્યું હતું કે, અમે અનેકવાર રજૂઆતો-ફરિયાદો કરી છે. પરંતુ કોઈ જ કામ થતું નથી. ઘણા સમયથી અમે કહીએ છીએ પરંતુ પાણી મળતું નથી. પીવાના પાણીથી લઈને વાપરવાના પાણીની પણ સમસ્યા છે. પરિવારને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અમે આજે આંદોલન કરવા મજબૂર થઈ રહ્યા છીએ. જો હજુ પણ અમારી સમસ્યાનો અંત નહી આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.