14 વર્ષની દીકરી પરથી વળગાડ ઉતારવાના બહાને પિતા-મોટા બાપુજીએ જ ત્રાસ ગુજાર્યો, હાલ બંને આરોપી પોલીસના સકંજામાં

ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એમાં દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં તેના પર સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષી અત્યાચાર ગુજારીને તેના પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકીકતનો ઘટસ્ફોટ થયો છે. કાતિલ પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી. તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના સકંજામાં છે.