'કચ્છનું કાશી' ગણાતાં કોડાય ગામની એક યુવતીએ ગામને મળેલ બિરુદને આજેય સાચું ઠેરવ્યું છે. 'જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાંડી કચ્છ.' એ મુજબ એણે દરિયાપારના દેશ ઓસ્ટ્રેલીયામાં ભારતીય સંસ્કૃતિની જ્યોત પ્રગટાવી છે એ જાણીને સૌનું હૈયું હરખાય એ સ્વાભાવિક છે.
મૂળ કોડાયનાં સોમેશ્વર પરિવારની દીકરી ભારતીબેનનાં આનંદ કતીરા સાથે લગ્ન થયાં પછી સુખપર ગયાં. પાંચ વર્ષ પછી પતિ સાથે ઓસ્ટ્રેલીયામાં એડિલેન્ડ ગયાં. પોતે બહુ ભણેલાં નથી પણ એડીલેન્ડ જઈને ખૂબ જહેમત લઇ, ધગસથી ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો, એક પરીક્ષા પાસ કરી. પરિણામ સ્વરૂપ આજે એ અલ્પશિક્ષિત યુવતી આજે Green Leaves Early Learning Mawson Lakes Day care center માં ગોરાઓનાં બાળકોને કેળવણી આપે છે.
પરિવારજનો રોજ પ્રાર્થના સાથે સવારનો શુભારંભ કરી, ઘરમાં ધર્મમય માહોલ જાળવી રાખે છે.
ભુજમાં રહેતા આનંદભાઈના બનેવી રાજેશભાઈ સોમૈયાનાં સૌજન્યથી જાણવા મળ્યું કે વિદેશમાં વસવાટના એમના શરૂઆતના દિવસો બહુ કપરા રહ્યા. પણ કચ્છીઓમાં હિમ્મત અને સાહસવૃત્તિ ઠાંસોઠાંસ ભરેલી હોય છે એમ આ દંપતીએ સાબિત કરી બતાવ્યું છે. કાળી મજૂરી, કડિયાકામ કરતાં આગળ વધીને કંડકટર પુત્ર આનંદભાઈ આજે ત્યાં સ્ટેશનરીની દુકાન શરુ કરી, સારી આવક રળતા થઇ ગયા છે. પોતાનું ઘર પણ બનાવી લીધું છે. વિદેશમાં રહીને પણ તેમની વતનપરસ્તી અખંડ છે એટલે તો એમણે આપબળે કરેલ કમાણીમાંથી અયોધ્યા રામ મંદિર માટે રૂ. ૫,૫૦,૦૦૦ (સાડા પાંચલાખ) માતબર દાન પેટે આપ્યા છે. એ રકમ એમણે પિતાજી શ્રી.વનરાજભાઈ વેલજીભાઈ કતીરા પરિવાર તરફથી સુખપર ગામની 'શ્રી. રામમંદિર નિધિ સમર્પણ સમિતિ'ને અર્પણ કરી છે. એટલું જ નહિ, દુકાનમાં એક દાનપેટી રાખી, ગોરાઓને ભારતદેશ અને એની ઉજળી સંસ્કૃતિથી અવગત કરાવી, રામજન્મભૂમિની સંઘર્ષ અને વિજય ગાથા સમજાવી એમની પાસેથી પણ આ પવિત્ર કાર્ય હેતુ દાન માટે અપીલ કરતાં, ગોરાઓએ પણ એ પણ દાનપેટીમાં રૂ.૭૫હજારથી વધુ રકમ નાખી છે. તેઓ ગોરાઓને પણ ભારતનાં ભવ્ય રામમંદિરનાં દર્શન કરવા આમંત્રણ આપતા રહે છે. આ રીતે ગોરાઓમાં પણ રામ પ્રત્યે પ્રેમ જગાવ્યો છે એ ઘટના નાની ન ગણાય. એ હકીકત આ દંપતીએ વિદેશમાં પણ કેટલો લોકવિશ્વાસ સંપાદન કર્યો છે એની પ્રતીતિ કરાવે છે.
ભારતની સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું પણ ખાસ મહત્વ છે. દેશમાં ઉજવાતી નવરાત્રી અને દિવાળીનો એમનાં બાળકોને પ્રત્યક્ષ અનુભવ મળે અને સાથે માદરે વતનનાં દર્શન થાય એ હેતુથી આ પરિવાર કચ્છમાં આવે છે.
વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિનું જતન કરી રહેલાં આ પરિવારને શુભેચ્છા!