કસ્ટમ્સ પ્રિવેંટિવ હેડક્વાર્ટર્સ જામનગર દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી અંતર્ગત પોરબંદર કસ્ટમ વિભાગના કાર્યક્ષેત્રમાં `હેન્ડશેક ઑફ હોપ’ શીર્ષક હેઠળ કસ્ટમ્સના વ્યાપારિક ક્ષેત્ર સાથેના સંબંધો પર સંવાદ તેમજ ઇમ્પોર્ટર-એક્સ્પોર્ટરને સુવિધાજનક સ્કીમો વિષેની જાણકારી આપતો એક સુંદર કાર્યક્રમ પોરબંદરના તાજાવાલા હૉલ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા ઉપસ્થિત ફિશ એક્સપોર્ટ એસોસિએશન, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ, ચેમ્બર ઑફ કોમર્સ તેમજ પોરબંદર જીઆઈડીસીના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ અશોક શર્મા તેમજ સુપરિંટેંડેંટ ઑફ પોલીસ ડૉ. રવિ મોહન સૈનીએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત સુરભિ કલાવૃંદની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને ગાંધીજીના પ્રિય 'વૈષ્ણવજન' પર પરફોર્મન્સ દ્વારા કરવામાં આવી હતી.
પ્રારંભિક પ્રવચન કસ્ટમ પ્રિવેંટિવ જામનગરના પ્રિન્સિપાલ કમિશ્નર ડોક્ટર રામ નિવાસે કર્યું. પ્રાસંગિક વક્તવ્ય કલેક્ટર અશોક શર્માએ આપેલું તેમજ આભાર વિધિ જામનગર કસ્ટમ હેડક્વાર્ટરના એડિશનલ કમિશ્નર ચુના રામે કર્યું.
એ ઉપરાંત, કસ્ટમ જામનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નટવરસિંહજી ક્લબ, એમ.જી. રોડ ખાતે ગાંધીજીની વેશભૂષા માટે લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ-વિજેતા કલાકાર જયેશ હિંગરાજીયા સાથે કસ્ટમ્સના જામનગર-પોરબંદરના અધિકારીઓએ રસ્તાઓની સફાઈ કરીને `સ્વચ્છ ભારત, સુંદર ભારત’ નો સંદેશો આપ્યો.
વધુમાં, 'સ્વાતંત્ર્ય સંગ્રામ' વિષય પર નવયુગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં `નિબંધ લેખન’ સ્પર્ધા યોજાઈ હતી તેમજ `સ્વચ્છ ભારત, સુંદર ભારત’ ચિત્ર સ્પર્ધા કડિયા પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં યોજાઇ હતી. બંને સ્પર્ધાઓમાં 200 થી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ બંને સ્પર્ધાઓના વિજેતા બાળકોને ઉપરોક્ત સેમિનાર દરમિયાન મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને ઇનામો આપવામાં આવ્યા. તેમજ સ્પર્ધાના નિર્ણાયકોનું સન્માન કરવામાં આવ્યું.
આ બધી જ ઇવેન્ટસનું આયોજન કસ્ટમ હેડક્વાર્ટર્સ જામનગરના અધિકારીઓએ એડિશનલ કમિશ્નર મનિષ કુમારની રાહબરી હેઠળ કર્યું. આયોજનમાં કસ્ટમ ડિવિઝન પોરબંદરના આસિસ્ટન્ટ કમિશ્નર પી. કે. દાસ, સુપ્રિટેંડેંટ પરેશ દવે, હાશિમ શેખ તેમજ અન્ય અધિકારીઓએ કર્યું. `હેન્ડશેક ઑફ હોપ’ સેમિનારનું સંચાલન સુપરિંટેંડેંટ સંજીવ જાનીએ કર્યું.