ખોડલધામ સુરત દ્વારા આયોજિત મહાઆરતીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું
ખોડલધામ સુરતના મુખ્ય કન્વીનર ધાર્મિકભાઈ માલવીયા એ નવરાત્રી મહોત્સવ આયોજન વિશે જણાવ્યું હતું કે ખોડલધામ સુરત દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કેપિટલ લોન મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું છે. તેમાં ખાસ તો આઠમનાં દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવો સાથે સુરત વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં આરતીના અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. નવરાત્રીના પાવન પર્વ નિમિતે તમામ ભક્તો માં ની ભક્તિમાં ભાર વિભોર બન્યા હતા. ત્યારે આઠમા નોરતે નિવેધ પણ કરવામાં આવ્યા હતા. ખોડલધામ સુરત દ્વારા આયોજીત નવરાત્રિમાં આઠમનાં દિવસે યોજાયેલ મહાઆરતીમાં 15,000 જેટલા ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બન્યા હતા. નવરાત્રી મહોત્સવના આઠમની મહાઆરતી સમયે આસપાસની તમામ લાઈટો બંધ કરીને માત્ર દીવડાઓની રોશનીથી જ આદ્યશક્તિની આરાધના કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર પટાંગણ દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું હતું અને અનેરુ દ્રશ્ય સર્જાયુ હતું.