પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ અને રાસ ગરબા સાથે ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ નો મંગલ આરંભ થયો હતો.
શ્રી હરિ મંદિરમાં આજે સવારે મંગલા આરતી બાદ વિધિવત પૂજન સાથે મંદિરના સર્વે શિખરો પર વિધિવત નૂતન ધ્વજારોહણ વિધિ કરવામાં આવી અને સાથે નવરાત્રિના પ્રથમ દિવસે મા કરુણામયીનું ષોડશોપચાર પૂજન પણ કરવામાં આવ્યું. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં આજે સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન પૂર્વે પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી શ્રીમતી દિવ્યાબેન અરુણભાઈ લોઢીયા (દાર-એ-સલામ) દ્વારા શ્રીરામચરિત માનસ અને શ્રી વાલ્મીકિ રામાયણની બંને પોથીશ્રીઓનું પૂજન કરીને પોથીયાત્રા સંપન્ન કરાઈ હતી.
શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે પૂજ્ય ભાઈશ્રી અને યજમાન પરિવાર દ્વારા મા શૈલપુત્રી સ્વરૂપી કુમારિકાનું પૂજન કરવામાં આવ્યું. અનુષ્ઠાનના આરંભ થાય એ પહેલા ઋષિકુમારો દ્વારા વેદપાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ મુખ્ય મનોરથી દિવ્યાબેનને પોતાના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે અમારો પરિવાર બે વર્ષથી આ સેવાની રાહ જોતો હતો અને આ સેવા જયારે અમને મળી છે એનાથી અમે ખુબ પ્રસન્ન છીએ એમ કહી પૂજ્ય ભાઈશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો .
સાંદીપનિ સભાગૃહમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા ૪૧મા શ્રીરામ ચરિત સંગીતમય પાઠ અનુષ્ઠાન પૂર્વે પૂજ્ય ભાઈશ્રી એ અનુષ્ઠાનની યાત્રા વિશે વાત કરતા જણાવ્યું કે કોરોના સમયમાં પણ અનુષ્ઠાનની યાત્રા ચાલુ રહી પરંતુ આ વર્ષે થોડી મર્યાદાઓ દુર થતા આપણે બધા ખુલીને મળી રહ્યા છીએ ત્યારે આપ સૌ અનુષ્ઠાન કરનારાઓનું પ્રેમ અને ભાવપૂર્વક સ્વાગત છે. હમણાના સમયમાં લમ્પી વાયરસ એ પણ આપની ગૌમાતાઓને નુકસાન કર્યું અને સાંદીપનિમાં પણ લમ્પી વાયરસની અસર ગૌમાતાઓને થઇ હતી પરંતુ ગોપાલકો અને ઋષિકુમારોએ સતત ગૌમાતાઓની સાર-સંભાળ કરતા રહ્યા જેનાથી ગૌમાતાઓ સ્વસ્થ રહી. કરી. ઘણા લોકોના કહેવા મુજબ લમ્પી વાયરસમાં સૂર્યનારાયણના પ્રકાશથી પણ ગૌમાતાઓનું સ્વાસ્થ્ય સારું થાય છે અને એ વાત સટીક છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આરોગ્યં ભાસ્કરાત ઈચ્છેત. એટલે કે સૂર્ય એ આરોગ્યની કામના સૂર્યનારાયણથી કરવી જોઈએ. થોડો સમય સૂર્યના કિરણો લેવા જોઈએ. જે ગૌમાતાઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
શ્રીવાલ્મીકી રામાયણ કથા
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત બપોર પછીના સત્રમાં યજમાન પરિવાર દ્વારા શ્રીવાલ્મીકી રામાયણ પોથીજીનું પૂજન તથા કથાવ્યાસ જગદગુરુ પૂજ્ય રાઘવાચાર્યાજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું. જગદગુરુ પૂજ્ય રાઘવાચાર્યજી દ્વારા ભગવાન શ્રીવાલ્મીકી રચિત દિવ્ય રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો.
શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝાંકીના દર્શન
શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે માં કરુણામયીના દિવ્ય ઝાંકી દર્શન યોજાયા હતા અને સાયં આરતી બાદ દિવ્ય રાસ-ગરબા યોજાયા હતા.
શારદીય અનુષ્ઠાન સાથે વિવિધ મનોરથોનો પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે સાંદીપનિની વૈદિક ટીમ દ્વરા મા ભગવતીની આરાધના સ્વરૂપે વિવિધ મનોરથનો પણ આરંભ થયો હતો. જેમાં સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથોનો સમાવેશ થાય છે. આ મનોરથમાં જોડવા માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.
દંતયજ્ઞ પ્રારંભ
આજે શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંતયજ્ઞ કેમ્પનો પૂજ્ય ભાઈશ્રી, મનોરથી પરિવાર અને ડૉકટરની ટીમ દ્વારા દીપ પ્રાગટય સાથે પ્રારંભ કરવામાં આવ્યો. આ દંત ચિકિત્સા દંતવૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરીયલ કલીનીક, ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડૉ. સરોજબેન જોશી અને ટીમ દ્વરા કરવામાં આવશે. આ દંતયજ્ઞ તા. ૦૪-૧૦-૨૨ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી ચાલુ રહેશે.
દેશ-વિદેશથી અને પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિક જનોએ અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણનો દિવ્ય લાભ લીધો હતો તો અનેક લોકો sandipani.tv ના માધ્યમથી પણ જોડાયા હતા.