એક તરફ રોજગારી માટે યુવાનો ફાંફા મારી રહયા છે ત્યારે લાખ્ખોનો પગાર ધરાવતા લાંચિયા અધિકારીઓને આટલા ઊંચા પગારમાં પણ સંતોષ નથી.

સુરતમાં જીએસટીના સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ કે જેઓને મહિને રૂ. 1.40 લાખનો પગાર હોવાછતાં તેઓ પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા આ પ્રકરણ ભારે ગાજયુ છે નવાઈની વાત તો એ છે કે તેઓ ને નિવૃત્તિના 8 વર્ષ બાકી હોવાછતાં લાંચ માંગવાની વૃત્તિ છૂટતી ન હતી અને ભેરવાઇ ગયા છે. તેઓ જીએસટી રીંફડના નાણાં રીલીઝ કરવા તેણે લાંચ માંગતા એસીબીના સ્ટાફે ગોઠવેલા છટકામાં સુરતના નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે આવેલી ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા.

વિગતો મુજબ સુરતના નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય સુશીલ અગ્રવાલ (રહે,સંગીની રેસીડન્સી, પનાસગામ, સિટીલાઇટ મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રીફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી. રીંફડના નાણા રીલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે પાંચ હજારની માંગણી કરી હતી.

આથી ટેક્ષ કન્સલ્ટન્ટે એસીબીમાં ફરિયાદ આપતા સુરત એસીબીના સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સુપ્રિટેન્ડન્ટને ઓફિસમાંથી 5 હજારની લાંચમાં પકડી પાડયો હતો. લાંચીયા અધિકારીએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી અને ખુશ થયા હતા પણ તેમની આ ખુશી લાંબો સમય ટકી ન હતી અને જ્યારે છટકામાં ફિટ થઈ ગયા હોવાની ખબર પડી ત્યારે દુઃખી દુઃખી થઈ ગયા હતા.