શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વઢવાણ, સી. યુ. શાહ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરાર પત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય રોજગારી આપવામાં મોખરે રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાં અનેક નવીન રોજગારીનું સર્જન કર્યું છે. ગુજરાતમાં અનેક નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે અને આ ઉદ્યોગોની સ્થાપના થવાથી ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બનાવી છે.યુવાઓની અંદર રહેલ કૌશલ્યને બહાર લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ માટે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવે છે જેના પરિણામે આજે ગુજરાતના યુવાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે તેમજ રાજ્યમાં નવી રોજગારીનું નિર્માણ કરીને રોજગાર વાંચ્છુંઓને ઘર આંગણે રોજગારી મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ ઉમેર્યું હતું.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આજે અંતરિયાળ વિસ્તાર સુધી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ રાજ્ય સરકારે સરળતાથી ઉપલબ્ધ બનાવી છે.કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો એપ્રેન્ટિસશિપ કરાર પત્રોનું વિતરણ કરાયું હતું. જે અંતર્ગત 1636 ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો અને 242 ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ કરાર પત્રોનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી મુકેશ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલશ્રી પી.કે. શાહે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વશ્રી જયેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ,રાજભા ઝાલા, રાકેશભાઈ ખાંદલા, સુમિતભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. એન. મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી. ગોહિલ તેમજ વિવિધ પદાધિકારી/ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.