બોટાદ કેમિકલકાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પીપળજમાં આવેલી AMOS કંપનીમાંથી મિથેનોલ નામનું કેમિકલ ચોરી કરી બરવાળા પહોંચાડવામાં આવ્યું હતું. જેના મુખ્ય સૂત્રધાર જયેશને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, જે કંપનીમાંથી મિથેનોલ ચોરી કરીને બુટલેગરોને પહોંચાડતો હતો. આ ઉપરાંત AMOS કંપનીના માલિક સમીર પટેલ અને તેમના અન્ય 3 સંચાલકોને પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

કેમિકલ કાંડ બાદ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા AMOS કંપનીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને કંપનીમાંથી મિથેનોલ કેમિકલના નમૂના એકત્ર કરી FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત 8 હજાર લિટર કેમિકલ જપ્ત કરી સરકારને રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો હતો. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે AMOS કંપની જોબવર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને પોતાનો કેમિકલનો જથ્થો સપ્લાય કરતી હતી.


SITની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે AMOS કંપની લાઇસન્સ રિન્યૂ કર્યા વિના જ ચાલી રહી હતી. AMOSના મુખ્ય સંચાલક દ્વારકા મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ છે અને એક પૂર્વ મંત્રીની રાજકીય વગથી લાઇસન્સ રિન્યૂ કર્યા વિના જ કેમિકલ કંપની ચલાવી રહ્યા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં AMOS કેમિકલના સંચાલકો સમીર પટેલ, પંકજ પટેલ, રજિત ચોકસી અને ચંદુ પટેલને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ બજાવવામાં આવ્યું છે.


બોટાદના બરવાળામાં કેમિકલકાંડમાં વધુ 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 46 પર પહોંચી ગયો છે. મૃતકોમાં બોટાદના 33, ધંધૂકામાં 13 વ્યક્તિનો સમાવેશ થાય છે. તો કેમિકલકાંડમાં અસર પામેલા 93 લોકોને સારવાર આપવામાં આવી છે, જેમાંથી 83 લોકોને રજા આપી દેવામાં આવી છે.