જૂનાગઢમાં સોશિયલ મીડિયા મારફત નાની વયની તરુણીને થયો પ્રેમ
ઘરબાર અને પરિવાર ત્યજી ગેરમાર્ગે જતાં ૧૮૧ ટીમ દ્વાર થયો બચાવ.
જૂનાગઢ શહેરમાં ભદ્ર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની તરુણી સોશિયલ મીડિયા મારફત જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને લગ્નની ઉમર માટે પણ ઉમરની પરિપક્વતા હોય તેવા યુવકના પ્રેમને પામવા પરિવાર તેમજ ઘરબાર ત્યજી નિકળી ગઈ હતી. સદનસીબે જાગ્રુત નાગરિકને આ તરુણી મળી આવતા ૧૮૧ મહીલા હેલ્પ લાઇનમાં સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી.
૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢની ટીમ દ્વાર સતર્કતા દાખવી કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબાળા ગોંડલીયા તથા પાયલોટ રાજેશભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તરુણીને મળી આશ્વાસન આપી વાસ્તવીકતા જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં મળતી માહિતી મુજબ 16 વર્ષની તરુણી સોશિયલ મીડિયામાં બોયફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હોય અને આ વાતની તેમનાં માતા પિતાને જાણ થતા તેને ઠપકો આપતાં તે ઘરેથી નીકળી ગયા હોવાની વાત જણાવી હતી.
જો કે તરુણીના માતાપિતા પણ ઘટના સ્થળ પર આવી જતા તેમને પણ સાંભળી કાઉન્સેલીંગ કરી પ્રાથમિક કાયદાકીય સમજ આપેલ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વિશેની માહીતી પણ આપવામાં આવી હતી. તરુણી અને તેમના બોયફ્રેન્ડનું પણ કાઉન્સેલીંગ કરી તેમની લગ્ન કરવા માટેની ઉમરની પરિપક્વતા આવ્યા બાદ જ આગળ ભવિષ્ય વિશે વિચારવું જોઈએ અને હાલ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી સમાજમાં કોઈ સ્થાન મળે તેવા પ્રયત્ન કરવા માટેની સમજ આપવામાં આવી હતી. તમામ વાત યુવક સમજી જતા અને પોતાની ભૂલ બાબતે માફી માંગતા તરુણીના પિતાએ યુવકનો અભ્યાસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું અને તરુણી તેમના માતાપિતા સાથે જવા રાજીખુશીથી તૈયાર હોય જેથી તરુણીને તેમના માતા પિતાને સોંપવામાં આવી હતી.