તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી વિવિધ કારકિર્દી લક્ષી માહિતીથી સમજૂત કરાયા

 વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને સુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, ભારત સરકારના આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી રાજેશભાઈ ચાંગણી, આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્ય શ્રી એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તાલીમાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ યુવાનોને સ્કીલડેવલપમેન્ટ માં સહયોગ આપી પોતાની અંદર રહેલ સ્કીલને બહાર લાવી દેશની પ્રગતિમાં ફાળો આપવા માટે આહવાન કર્યું હતું. આજનાં યુવાનો વિવિધ કુટેવો અને મોબાઈલની લત માંથી બહાર આવી પોતે કરેલા વ્યવસાયિક કોર્ષમાં આગળ વધી પ્રારંભિક તબક્કે નાની-નાની કંપનીમાં નોકરી મેળવી પોતાની કારકિર્દિની શરૂઆત કરશે તો પણ જીવનમાં સફળ થશે તેવી પ્રેરણા આપી હતી. આઈ.ટી.આઈ. નો કોર્ષ કર્યાં પછી ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ છે જેવા કે એપ્રેંટિસ ટ્રેનિંગમાં જોડાઈ કંપનીમાં નોકરી મેળવી શકે છે, તદુપરાંત ડિપ્લોમામાં જોડાઈને પણ કારકિર્દિ બનાવી શકે છે. તેમજ ધોરણ ૧૨ માં ફકત એક અંગ્રેજી વિષયની પરીક્ષા આપીને પણ ધોરણ ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર મેળવી ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. તે પ્રકારની વિવિધ કારકિર્દિ લક્ષી માહિતીથી તાલીમાર્થીઓને વાકેફ કરાયા હતા. અંતમાં મહાનુભાવોનાં વરદ હસ્તે સપ્ટેમ્બર ૨૦૨૨માં પાસ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.