આજે વડોદરા માં વાઘોડિયા રોડ સ્થિત નાલંદા પાણીની ટાંકી નજીક સી-10 મેઘનાનગર ખાતે આવેલી શ્રુતિ નામની બાળકોની હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ મચી હતી. 

આ બનાવને પગલે સારવાર લઇ રહેલા 6 બાળકો અને તેમના પરિવારજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને પરિવારજનો પોતાના બાળકોને લઇ હોસ્પિટલની બહાર આવી ગયા હતા. તે સાથે હોસ્પિટલના કર્મચારીઓ પણ પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા.

બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ગણતરીની મિનિટોમાં ફાયર લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ટેરેસ ઉપર જનરેટરમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતાં આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. જોકે, ટેરેસ ઉપરના જનરેટરમાં લાગેલી આગના કારણે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ થવા પામી નથી. શોર્ટ સર્કિટના કારણે જનરેટરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.