જેતપુરમાં ટ્રેન નીચે આવી જતાં બે વ્યક્તિના મૃત્યુ, કાનમાં ઈયરફોન હોવાની પ્રાથમિક માહિતી
રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની છે. રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે આવી જતા 2 વ્યક્તિના મોત નીપજ્યાં છે. આ મામલે જેતલસર રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે આવી જતા અજાણ્યા બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. બંનેના મૃતદેહને જેતલસર જંક્શન ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ જેતલસર રેલવે પોલીસે બંનેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક ભાદરના પુલ પાસે રાજકોટ-પોરબંદર જતી ટ્રેનની નીચે અજાણ્યા 2 વ્યક્તિ આવી ગયા હતા. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા જેતલસર રેલવે પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને બંનેના મૃતદેહોને જેતલસર જંક્શન ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
કાનમાં ઇયરફોન નાખી પાટા પર ચાલતા હોવાનું આવ્યું સામે
રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં 2 વ્યક્તિઓ કાનમાં ઇયરફોન નાખીને જતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંનેની ઓળખ મેળવવા તપાસ આદરી છે. આપને જણાવી દઈએ કે, શહેરના રેલવે સ્ટેશન નજીક 24 કલાકમાં ટ્રેનની નીચે આવી જવાના બે બનાવ બન્યા છે. ગઈકાલે જ રેલવે બ્રિજ નજીક મેઘેડી વિસ્તારમાં અમદાવાદથી સોમનાથ જતી ઈન્ટરસિટી ટ્રેન નીચે આવી જતા એક પરપ્રાંતિય યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જેના મૃતદેહને જેતલસર રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યો હતો.