વરલ ગામમાં બસ સ્ટેન્ડ પાસેના સાંકડા માર્ગથી દુર્ઘટનાની ભિતી સિંહોર બે વાહનો સામસામે આવી જાય તો નિકળવુ એ પ્રશ્ન રસ્તાને પહોળો કરવામાં આવે કાં ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે સિહોર તાલુકાના વરલ ગામના બસ સ્ટેશન પાસે સાંકડો રસ્તો હોય અહીં રસ્તો પહોળો કરવાની માંગ ઊઠવા પામી છે.સાંકડા માર્ગને લીધે બે વાહનો સામસામે આવી જાય તો કઇ રીતે નિકળવુ એ પ્રશ્ન ઉભો થાય છે. સિહોર તાલુકાના વરલ ગામના બસ સ્ટેશન પાસે પ્રમાણમાં સાવ સાંકડો રસ્તો છે.એક તરફ ગામની વસાહત અને બીજી તરફ નદી.આ બંનેની વચ્ચે સાવ સાંકડો કહી શકાય એવો રસ્તો.અહીં જો બે મોટા વાહનો સામસામા ભેગા થાય તો એક વાહનચાલકે ફરજિયાતપણે પોતાનું વાહન રિવર્સમાં લેવું જ પડે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન ટાણા, દિહોર, ભદ્રાવળ, થોરાળી, બાખલકા, નાની માંડવાળી, ટીમાણા, હબુકવડ, રોયલ, તળાજા, મહુવા તરફ જતાં-આવતા હજારો વાહનો પસાર થાય છે. અહીં મોટી તકલીફ એ છે કે રોડની ડાબી તરફ જયાં નદીનો ભાગ છે ત્યાં લગભગ દસેક ફૂટ જેટલી ઊંડાઇ છે. જો કયારેક અનાયાસે અકસ્માત સર્જાઇ તો મોટી જાનહાનિ થઇ શકે તેમ છે. આથી અહીં રસ્તાને પહોળો કરવામાં આવે કાં ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે. હાલમાં આ રસ્તો સાવ ખુલ્લો હોય અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે તેમ છે આથી આ રસ્તા અંગે વહેલામાં વહેલીતકે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વરલ ગામના લોકો અને આ રોડ પરથી પસાર થતાં વાહનોચાલકોની પ્રબળ માંગ ઊઠી છે.