દાહોદ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો.

ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય, કમિશન પ્રથા બંધ કરી ફિક્સ વેતનથી નિમણૂક આપવા તેમજ સરકારી કર્મચારીનો દરજ્જો આપવા જેવી બાબતને લઈને દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિ સામે વિરોધ દર્શાવવામા આવ્યો હતો.

તારીખ ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રી સાથેની બેઠક તેમજ તારીખ ૨૭/૧૦/૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમા પંચાયત મંત્રી તથા મુખ્યમંત્રીએ આપેલ બાંહેધરીના આધારે તારીખ ૨૧/૧૦/૨૦૨૧ ના રોજથી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો હતો. ત્યારબાદ આઠ માસ જેટલો સમય વિતવા છતા કોઈ નિર્ણય ન આવતા ફરીથી તારીખ ૦૪/૦૫/૨૦૨૨ ના રોજ પંચાયત મંત્રી સાથે બેઠક કરવામા આવેલ. જેમા પંચાયત મંત્રીએ કમિટી બનાવી તમામ માંગણીઓ બાબતે નિરાકરણ કરીશુ તેવી ખાતરી આપવામા આવેલ. જે બાબતને પણ ત્રણ મહિના થવા આવ્યા છતા પણ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા ગતરોજ તારીખ ૨૪/૦૮/૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળના આદેશ અનુસાર દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવવામા આવ્યો હતો. અને તારીખ ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સોશિયલ મીડિયામા સરકારની નીતિનો વિરોધ દર્શાવવામા આવશે તેમજ સરકારે આપેલ બાહેંધરીનો અમલ ન થાય તો તારીખ ૩૦/૦૮/૨૦૨૨ ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ કરવાની ફરજ પડશે તેમ જણાવવામા આવ્યુ છે.