બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતેથી રાવળ યોગી સમાજની પદયાત્રાનો પ્રારંભ થયો છે. રાવળયોગી સમાજ દ્વારા પોતાની પડતર માંગોને લઇ પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજાઈ રહી છે. મોટી સંખ્યામાં સમાજના લોકો પદયાત્રામાં જોડાઈ ગાંધીનગર પહોંચી પોતાની માંગો સરકાર સમક્ષ મુકશે.માંગણીઓના નિરાકરણ બાબતે રજૂઆત કરાશે
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજ્યમાં અનેક સમાજોને સાથે સાથે અનેક વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઇ આંદોલનના માર્ગે વળ્યા છે ત્યારે રાવળયોગી સમાજ પણ પોતાની પડતર માંગોને લઇ આંદોલનના માર્ગે વળ્યા છે અને આજે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરથી રાવળયોગી સમાજની ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો છે. રાવળ જોગી સમાજના લોકો ડીજે સાથે પાલનપુરથી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે અને પાંચ દિવસના અંતે ગાંધીનગર પહોંચી મોટી સંખ્યામાં સરકારને પડતર માંગણીઓના નિરાકરણ બાબતે રજૂઆત કરાશે.મહત્ત્વની વાત છે કે, રાવળયોગી સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિચરતી વીમુક્તિ જન જાતિઓને અનામત આપો તેમજ 11% શિક્ષણ નોકરી અને સત્તામાં ભાગીદારી આપોની માંગ કરવામાં આવી હતી, છતાં તેમની માંગો ન સ્વીકારતા હવે રોષે ભરાયેલા રાવળ યોગી સમાજના લોકો પણ આંદોલનના માર્ગે વળ્યાં છે અને પાલનપુરથી ગાંધીનગર સુધી પદ યાત્રાનો આજે પ્રારંભ કર્યો છે. રસ્તામાં આવતા ગામેગામ સમાજના આગેવાનો દ્વારા બેઠકો કરાશે અને ગામોના લોકોને પણ પદયાત્રામાં જોડાવા આહવાન કરાશે. તે બાદ 18મી તારીખે પદયાત્રા ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ માંગો સ્વીકારવા જાણ કરાશે. જોકે, અત્યારે તો પદયાત્રા યોજી ગાંધીનગર પહોંચી સરકાર સમક્ષ તેમની પડતર માંગો સ્વીકારવા રજૂઆત કરાશે અને તે બાદ પણ સરકાર દ્વારા તેમની માંગ નહી સ્વીકારાય તો સમાજના લોકો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.