હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહયા છે અને આ દિવસોમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન સાથે જ છોડ-ઝાડ વાવવાનું પણ વિધાન હોવાનું વિદ્વાનોનું કહેવું છે. વૃક્ષ વાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ગ્રંથોમાં પિતૃ પક્ષમાં ઝાડ વાવવામાં આવે તો પિતૃઓનો આશીર્વાદ મળતા હોવાનું કહેવાયું છે.

નીચે મુજબના વૃક્ષ અને છોડ વાવવાથી તેનું સારૂ પરિણામ મળે છે.

વડ- આ છોડ વાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. તેમાં જળ અર્પણ કરવાથી વ્યક્તિ દીર્ઘાયુ થાય છે. આ મોક્ષ પ્રદાન કરનાર ઝાડ માનવામાં આવે છે. વડને સાક્ષી માનીને માતા સીતાએ રાજા દશરથ માટે પિંડદાન કર્યું હતું.

અશોક- આ ઝાડને વાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, રોગ અને શોક નાશ પામે છે. પિતૃઓને તૃપ્તિ અને મુક્તિ મળે છે. આ છોડ ઘરના દ્વાર પાસે વાવવો જોઈએ.

પીપળો- પીપળામાં દેવતા અને પિતૃઓનો વાસ હોય છે. તેનો છોડ વાવીને જળ આપવાથી પિતૃઓને તે જળ પહોંચે છે. આ ઝાડ ઉપર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું અધિપત્ય છે.

બીલી- આ છોડ વાવવાથી શિવજી સાથે પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃઓનો સંબંધ શિવ અને વિષ્ણુ લોક સાથે જોડાયેલો છે.

તુલસી- તુલસી વાવવાથી અને તેમાં નિયમિત રૂપથી જળ આપવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓ પ્રસન્ન થાય છે. પિંડદાન કરતી સમયે વિષ્ણુજીની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુએ જ ગયાસુર રાક્ષસનો વધ કર્યો હતો.