વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.