ભુજ, સોમવાર:
સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ લોકાર્પણ ખાતમુહૂર્ત અંગે "વિશ્વાસથી વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય આયોજનમાં વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ જિલ્લાના નખત્રાણા અને લખપત તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માંડવી મુંદ્રા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પાટીદાર સમાજ વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કચ્છમાં પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં કુલ રૂ.૬ કરોડથી વધુના ૧૬૭ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપી હતી. લખપત તાલુકામાં રૂ.૨.૪૪ કરોડના ખર્ચે વિવિધ ૫૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે નખત્રાણા તાલુકામાં રૂ.૩.૫૭ કરોડના ખર્ચે ૧૧૧ વિકાસના કામોની સોગાદ નાગરિકોને મળી છે. આ કાર્યક્રમનું આયોજન નખત્રાણા અને લખપત તાલુકા વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
નખત્રાણા અને લખપત તાલુકાના વિવિધ વિકાસકામો માટે સરપંચોને સ્થળ ઉપર જ મહાનુભાવોને હસ્તે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્વસહાય જૂથ હેઠળ બહેનોને કેશ ક્રેડિટની સહાયનું વિતરણ કરાયું હતું. પોષણ કીટ પણ આંગણવાડીના બાળકોને મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી. વિશ્વાસથી વિકાસ યાત્રા થીમ આધારિત માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મનું નિર્દેશન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી નિહાળીને સરકારશ્રીની વિવિધ જનસુવિધાના વિકાસની સિદ્ધિઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રાજ્યભરમા યોજાઈ રહેલા 'વિશ્વાસ થી વિકાસ' યાત્રાના કાર્યક્રમો અંતર્ગત કચ્છ જિલ્લામા પણ અંદાજિત રૂ.૬૧ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરવાનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયસુખભાઈ પટેલ, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જેનાબાઈ પઢિયાર, નખત્રાણા સરપંચ શ્રી રિદ્ધિબેન વાઘેલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરસનજી જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જયાબેન ચોપડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને નયનાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંધ્યાબેન પલણ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સોઢા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી લીnલાબેન મહેશ્વરી, અગ્રણી શ્રી જુગરાજસિંહ સરદાર, દિલીપભાઈ નરસીગાણી, બહાદુરસિંહ જાડેજા, લાલજીભાઈ રામાણી, રમેશભાઈ આહિર, સુરેન્દ્રસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.બી.મકવાણા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.