ડીસાના માલગઢ ગામે હાઇવે ઉપરની હોટલમાં રવિવારે મોડી રાત્રે નાણાંની લેતી-દેતીની અદાવતમાં એક જ સમાજના બે જુથો વચ્ચે ધીંગાણું થયું હતુ. જેમાં છરી, બેટ, લોખંડની પાઇપો, લાકડીઓ અને ઉંધી રિવોલ્વરથી હુમલો કરવામાં આવતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. બંને પક્ષના 7 થી વધુ વ્યકિતઓને ઇજા થઇ હતી. જેમને સારવાર માટે ડીસા તેમજ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સામસામે 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાના માલગઢ ગામે ભીલડી હાઇવે પર રહેતા જગદીશ દેવચંદજી કચ્છવા રવિવારે રાત્રે હાઇવે પર એક પાર્લર પર પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ગામનો જ હસમુખ ખેતાજી પરમાર માળી પણ તેના મિત્રો સાથે ક્રેટા ગાડીમાં આવી જગદીશની કારને ટક્કર મારી નાણાંકીય જૂની અદાવત બાબતે મારામારી કરી હતી. જ્યાંથી હસમુખ અને તેના મિત્રો સોમનાથ હોટલ પર ગયા હતા. જ્યાં જગદીશ તથા તેમના ભાઈ ફુલચંદભાઈ, સુરેશભાઈ તેમજ મિત્રો સમજાવટ માટે હોટલે પહોંચ્યા હતા.

ત્યાં હસમુખ ખેતાજી માળી, ખેતાજી તેજાજી માળી, શાંતિલાલ ખેતાજી માળી, અશ્વિન ખેતાજી માળી, અનિલ ખેતાજી માળી, અર્જુન ગંગારામ સોલંકી, ભરત લાલજીભાઈ પઢીયાર તથા અન્ય 10 થી 15 માણસોનું ટોળું બેઠેલ હતું. જેમાં હસમુખે પોતાની પાસેની રિવોલ્વર જગદીશભાઇના માથામાં ઉંઘી મારી હતી. તેમજ રિવોલ્વર ફોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થતા જગદીશ, ફુલચંદભાઈ તથા રાજેશભાઈને ઇજા થતા ઈજા ગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે અંગે જગદીશ કચ્છવાએ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે ખેતાજી તેજાજી માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફુલચંદભાઈ દેવચંદભાઇ માળી, સુરેશ દેવચંદભાઇ માળી, જગદીશભાઇ દેવચંદભાઇ માળી, દયારામ હેમાજી માળી, રમેશભાઇ ભીમાજી માળી, સાગર ફુલચંદભાઈ માળી, મયુર સુરેશભાઈ માળી, રાજુ ગોવિંદભાઈ માળી તેમજ ઉમાભાઇ જાટ સહિતના ટોળાએ સોમનાથ હોટલ પર આવી નાણાકીય લેવડ-દેવડની જૂની અદાવતનું મન દુઃખ રાખી હથિયારો સાથે હુમલો કરતાં ખેતાજી તેમજ હસમુખભાઈને અને અન્ય વ્યક્તિઓને ઇજાઓ પહોચાડી હતી. પોલીસે બંને પક્ષે 16 શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ફુલચંદ માળી અને તેમનો પરિવાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરાવી ખેડૂતોના બટાકા મોટી કંપનીઓને સપ્લાય કરવાની કામગીરી કરે છે. ડીસા ખાતે આવેલી તેમની પ્રાઇવેટ કંપની સાથે સાબરકાંઠા,બનાસકાંઠાના સેંકડો ખેડૂતો જોડાયેલા છે. સામા પક્ષે ખેતાજી માળી ઈરીગેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ખેડૂતોને ફુવારા સપ્લાય કરવાની કામગીરી કરે છે. છ વર્ષથી જમીનનો નાણાકીય વિવાદ 2016-17 ના સમયની જમીનના નાણાંની લેતીદેતીના મુદ્દે પાછલા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે અગાઉ પણ બંને પરિવારો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી.

રવિવારે રાત્રે થયેલી મારામારીમાં ચાર જેટલા વાહનો તોડફોડ કરવામાં આવી હતી. ભારે અફરા-તફરી ભર્યા માહોલ વચ્ચે ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.