પ્રાંત કક્ષાની ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ હેઠળ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓને રૂ.૧૮ કરોડના વિકાસકામોની ભેટ મળી
જનતાના ૨૦ વર્ષના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકારના ૨૦ વર્ષના વિકાસની વાત જનજન સુધી પહોંચે એ આશયથી રાજ્યવ્યાપી ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત માંડવી પ્રાંત કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ સમારોહ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, જળસંપતિ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત માંડવી તાલુકામાં રૂ. ૪.૯૨ કરોડના ખર્ચે ૯૨ વિકાસકામો, માંગરોળ તાલુકામાં રૂ.૫.૧૩ કરોડના ખર્ચે ૯૨ કામો, ઉમરપાડા તાલુકામાં રૂ.૭.૮૪ કરોડના ૧૭૪ કામોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી.
માંડવીના કૃષિમંગલ હોલમાં આયોજિત સમારોહમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલા વિકાસોન્મુખ શાસનપ્રણાલી સ્થાપિત કરી, જેને અનુસરીને વર્તમાન સરકારના સુશાસનથી રાજ્યના ખૂણે-ખૂણે વિકાસના સુફળ જનજન સુધી પહોંચ્યા છે. સમગ્ર રાજયમાં શરૂ થયેલી ‘વિશ્વાસથી વિકાસયાત્રા’માં રાજયમાં રૂ. ૪૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાપર્ણ–ખાતમુહૂર્ત કરાશે. છેવાડાના ગામડાઓ સુવિધાયુક્ત બને, અને શહેરની બરોબરી કરે તે માટે ગ્રામીણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું શ્રી વસાવાએ જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. વિકાસનો સેવાયજ્ઞ આવનારાં વર્ષોમાં પણ ચાલતો રહેશે. રાજ્યમાં આદિજાતિઓ, મહિલાઓ, યુવાઓ, ગ્રામીણ ગરીબો સૌનું સશક્તિકરણ થયું છે એમ જણાવી રાજ્યની પ્રગતિના મૂળમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ભરેલી હરણફાળ અને હકારાત્મક અભિગમથી વિકાસની ઈચ્છાશક્તિ હોવાનું ઉમેર્યું હતું.
આ પ્રસંગે માંડવી પ્રાંત અધિકારીશ્રી જે.ડી.ઠાકોર, મામલતદારશ્રી મનીષ પટેલ, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.જે.ભંડારી સહિત અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.