ભુજ,શહેરની ભાગોળે માધાપર સ્થિત નાના યક્ષનો મેળો રાત સુધી જામ્યો હતો, તો બે વર્ષના અંતરાલ બાદ અને મેઘમહેરથી ખીલી ઉઠતા મનખાએ ભૂતકાળની જેમ મેળો મહાલ્યો હતો. શનિવારે સાંજે ખુલ્લો મુકાયો હતો પણ રંગત રવિવારે જામી હતી.સવારથી ગ્રામીણ પરંપરાગત પહેરવેશમાં વૈવિધ્યસભર માહોલ રહ્યો હતો તો સાંજે ફરવાના શોખીન ભુજવાસીઓ ઉમટી પડતા મેળાએ દિવસના બે વાર રંગ બદલ્યાની અનુભૂતિ સ્ટોલ ધારકોને થઈ હતી. ભાવિકોએ યક્ષ દેવના સુવિધાસભર મંદિરે દર્શન માટે કતારો લગાવી હતી. ગત સાંજે મેળાને ખુલ્લો મૂક્યા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાએ મંદિરમાં દર્શન કર્યા હતા અને જખા બૌતેરા સંઘના કાર્યાલયમાં ટ્રસ્ટી નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા, ડો. હસમુખ મણિલાલ દેઢિયા વગેરે સાથે ચર્ચા વિચારણા કરી હતી. જૂનાવાસ સરપંચ ગંગાબેન મહેશ્વરી સાથે રહ્યા હતા. માધાપર જખ બૌતેરા સંઘ દ્વારા યોજાયેલા લોકમેળાના શનિવારના કાર્યક્રમનું પ્રવીણભાઈ સોની અને હિતેશભાઈ ગજ્જરે સંચાલન કર્યું હતું.' ભુજના માર્ગથી જતાં કચ્છમિત્ર સર્કલ પાસેથી છેક ગાંધી સર્કલ, ગાયત્રી મંદિર સુધી મેળાનો માહોલ જામ્યો હતો. પરંપરાગત રીતે મંદિર સામેના ચોકમાં 70 જેટલા સ્ટોલમાં બાળકોને આકર્ષતા રમકડાવાળા, મહિલાઓ માટેના પર્સ, શૃંગાર પ્રસાધનોવાળા, ડેકોરેશન, ફૂલવાળા તો પરંપરાગત વાસણો-ઘરવખરીના સામાન વેચવાવાળા સ્ટોલ ઉપરાંત પાથરણા પાથરીને ધંધાર્થીઓ ગોઠવાયા હતા