ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓ યોજાશે 

જિલ્લાની ૬૬૪ ગ્રામ પંચાયતોમાં તા. ૦૬ ઓગષ્ટ સુધી આ ગ્રામસભાઓનું આયોજન 

ભારત દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ ગ્રામસભાઓ જિલ્લાની ૬૬૪ ગ્રામ પંચાયતોમાં તા. ૦૬ ઓગષ્ટ સુધી યોજાશે. 

ભાવનગર જિલ્લાના દરેક ગ્રામ પંચાયતના મુખ્ય મથકે આ ગ્રામસભા યોજવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના નિયુક્ત અધિકારીઓ હાજરી આપશે. તેમજ અનુકૂળતા મુજબ મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, પંચાયતના પદાધિકારીઓ, કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ પણ આ સભાઓમાં હાજરી આપશે.

આ સભા પહેલાં ગામમાં સંધ્યાફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શક્ય તેટલાં વધુ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.

ભાવનગર ગ્રામ્યના આલાપર, ભૂંભલી, લાખણકા, ભડભીડ, શેઢાવદર, ભડી અને કરદેજથી તેની શરૂઆત તા. ૨૭ જુલાઇ થી થઇ છે.

ભાવનગરના - ૫૧, ગારીયાધારના - ૪૮, તળાજાના - ૧૧૮, મહુવાના - ૧૧૫, સિહોરના - ૭૮, પાલીતાણાના - ૭૯, ઘોઘાના - ૪૧, વલ્લભીપુરના - ૫૩, ઉમરાળાના - ૪૩ અને જેસરના - ૩૮ મળી કુલ ૬૬૪ ગામમાં આ ગ્રામસભાઓ યોજાશે.