આજરોજ તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ જુનાગઢ જિલ્લા કર્મચારી મહામંડળ અને જુનાગઢ જીલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ જુનાગઢ ઝોનના અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના કર્મચારીઓની ઝોનલ મહારેલીનું આયોજન જુનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના કુલ ૧૬ પ્રશ્નો છેલ્લા ઘણા વર્ષોથી પડતર છે. ગઈ તા.૦૯-૦૫-૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે ધરણા કરવા છતાં સરકારશ્રી દ્વારા કર્મચારી સાથે કોઈ વાતચીત ન કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વિવિધ આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ જે અંતર્ગત તા.૦૩-૦૯-૨૦૨૨ ના રોજ ગુજરાતના દરેક જીલ્લામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા તા.૦૭-૦૯-૨૦૨૨ થી કર્મચારી સાથે વાટાઘાટો શરૂ કરેલ પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવેલ ન હોય કર્મચારીઓએ આજરોજ ગુજરાતના સાત ઝોનમાં તે ઝોનના જીલ્લાના કર્મચારીઓએ એકત્રિત થઈ કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરેલ તે મુજબ લગભગ ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ આજે જૂનાગઢ ખાતે એકત્રિત થઈ સરદારબાગથી કલેકટર કચેરી સુધી મહારેલી કાઢી આવેદનપત્ર આપ્યું. જેમાં મુખ્ય પ્રાણ પ્રશ્ન જુની પેન્શન યોજના શરૂ કરવી સહિતના કુલ ૧૬ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી. જુનાગઢ જીલ્લા કર્મચારી મહામંડળના મહામંત્રી દિપેનભાઈ અટારાએ જણાવેલ છે કે, હવે પછી તા.૧૭-૦૯-૨૦૨૨ ના રોજ કર્મચારીઓ માસ સી.એલ. પર જશે, તા.૨૨-૦૯-૨૦૨૨ ના રોજ પેન ડાઉન કરશે અને ત્યાં સુધીમાં પણ જો સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં નહિ આવે તો તા.૩૦-૦૯-૨૦૨૨ ના રોજથી રાજ્યના તમામ કર્મચારીઓ હડતાળ પર જશે તેમ જણાવેલ છે. આશા છે કે, સરકાર આ કર્મચારીઓની જે માંગણી છે તે બંધારણીય હક્કની છે. જો કોઈ નેતા એક વાર ચૂંટાય છે તો તેને આજીવન પેન્શન મળે છે પરંતુ જે કર્મચારી નોકરી માટે જરૂરી શિક્ષણ મેળવી, ડિગ્રી મેળવી, જાહેર પરીક્ષા પાસ કરી, મૌખિક ઇન્ટરવ્યુનો સામનો કરી પોતાની આવડત અને લાયકાતના આધારે નોકરી મેળવી ૫૮-૬૦ વર્ષ સુધી ફરજ બજાવે છે તેને જુની પેન્શન યોજના સરકાર આપતી નથી. આ બાબત ગેરબંધારણીય છે. કેમ કે, આપણા બંધારણના આર્ટિકલ ૧૪ મુજબ સમાનતાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. જો કોઈ નેતાનો પગાર વધારો કે અન્ય કોઈ સુવિધા આપવાની હોય તો સરકાર ત્વરિત મંજૂરી આપે છે, પરંતુ કર્મચારીને તેના હક્કનું ડી.એ. આપવાનું થાય અને એ પણ મોડું તો સરકારને એ બોજો લાગે છે જે બિલકુલ ગેરવાજબી છે. સરકારી કર્મચારી છે તે સરકારના હાથ – પગ સમાન છે તેના થકી ચાલે છે. એટલે કે, સરકારી કર્મચારી સરકારનું જ એક અંગ છે. તેમને આવો અન્યાય શા માટે? આશા છે સરકાર આ કર્મચારીઓને તેમના બંધારણીય હક્કો સત્વરે આપશે.
આજની જુનાગઢ ઝોનની મહારેલીમાં રાજુભાઇ ભેડા- સંગઠન મંત્રી -ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ડી.ડી.મકવાણા - સહમંત્રી - ગુજરાત રાજ્ય સં. કર્મ. મોચ્ચો, પરબતભાઈ નાધેરા - પ્રમુખ-જુનાગઢ જિલ્લા સં કર્મ. મોચ્ચો, ભીખુભાઈ બંધિયા-.મહામંત્રી - જુનાગઢ જિલ્લા સં. કર્મ. મોચ્ચો, દિપેનભાઈ અટારા-મહામંત્રી - જુનાગઢ જીલ્લા કર્મચારી મહામંડળ, હરીભાઈ વાળા - પ્રમુખ-ગીર સોમનાથ સંયુકત કર્મચારી મોચ્ચો, વજેસિંહ ચુડાસમા - મહામંત્રી ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘ, દિનેશ ચોપડા - પ્રમુખ-ગીર સોમનાથ કર્મચારી મહામંડળ, હિરેન ઓડેદરા- પ્રમખ - પોરબંદર સંયુકત કર્મચારી મોચ્યો, હિતેષ ભુતિયા -પ્રમુખ- પોરબદર કર્મચારી મહામંડળ, કરશન ઓડેદરા- મહામંત્રી - પોરબંદર સંયુકત કર્મચારી મોચ્ચો, મહેન્દ્રભાઈ વિછીયા-પ્રમુખ - અમરેલી જિલ્લા સંયુક્ત કર્મચારી મોચ્યો, વેજાભાઈ પીઠીયા - પ્રમુખ -ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ – જુનાગઢ, ભરતભાઈ રાઠોડ – પ્રમુખ – ઉતકર્ષ મંડળ, જુનાગઢ, નિલેષભાઈ સોનારા- પ્રમુખ-માધ્યમિક શિક્ષક સંઘ-જુનાગઢ, દિનેશભાઈ પટેલ-મહામંત્રી - જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, એમ.બી. ડોડીયા- પ્રમુખ - આચાર્ય સંઘ જુનાગઢ તેમજ અન્ય ૩૩ મંડળોના જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના હોદેદારો હાજર રહેલ હતા. મહારેલીના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી અને ત્યારબાદ સ્વાગત પ્રવચનથી જુનાગઢ ઝોનના મહામંત્રી દિપેનભાઈ અટારાએ કરેલ.