ભુજ, વાહન (ટ્રક)ને અકસ્માત નડવાના 14 વર્ષ જૂના કિસ્સામાં ફરિયાદી ગ્રાહક અંજારના મોહનલાલ મોમાયા વનાવાની તરફે ચુકાદો આપતાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપની નેશનલ ઇન્સ્યોરન્સ તેમને મોજણી અહેવાલ મુજબની વળતરની પૂરેપૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કર્યો હતો.આ પ્રકરણમાં અકસ્માત બાદ વળતર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી અરજી કરાયા પછીયે વીમા કંપનીએ કોઇ કાર્યવાહી ન કરતાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ કેસ લઇ જવાયો હતો. જિલ્લા ફોરમે ફરિયાદી તરફે ચુકાદો આપ્યા બાદ રાજ્ય કમિશન સમક્ષ વીમા કંપની ગઇ હતી. જ્યાં ફરિયાદ રિમાન્ડ કરવાનો આદેશ કરાયો હતો. આ પછી ફરિયાદીને નવો નંબર આપી જિલ્લા ફોરમ સમક્ષ કેસ ચાલ્યો હતો, જેમાં પણ ફરિયાદીની અરજી મંજૂર કરાઇ હતી. બાદમાં ફરીથી રાજ્ય કમિશન સમક્ષ બીજી વખત અપીલ કરાઇ હતી. જેમાં 90 દિવસમાં નિકાલનો હુકમ કરાયો હતો. આ બીજી વખતના રિમાન્ડ બાદ જિલ્લા કમિશને કેસ ચલાવીને ફરિયાદી તરફે આ ચુકાદો આપ્યો હતો.વીમા કંપની ફરિયાદીને વળતરની પૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા