કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવો કાબૂમાં લેવા આયાતી તેલોમાં ડયુટી ઘટાડતાં તેમજ વિદેશોમાં આયાતી તેલોનું ઉત્પાદન વધી જતાં છેલ્લા એકાદ મહિનાથી પામોલીન, સોયાબીન સહિતના તેલના ભાવોમાં 30 ટકા જેટલો જબ્બર ઘટાડો થયો છે તો બેસનમાંયે કોઈ વધારો નથી તેમ છતાં ફરસાણના ભાવો નીચા ઉતરવાના બદલે વધુને વધુ આસમાનને આંબી રહ્યા હોવાનો ગણગણાટ ગ્રાહકોમાંથી સાંભળવા મળી રહ્યો છે. એકાદ માસ અગાઉ સીંગતેલ તેમજ પામોલીન, સોયાબીન, સૂરજમુખી જેવા આયાતી ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહ્યા હતા જેના કારણે કેન્દ્ર સરકારે વિદેશોથી આયાત થતા પામોલીન, સોયાબીન જેવા ખાદ્યતેલોમાં આયાત ડયુટીમાં ઘટાડો કર્યો હતો. આ આયાત ડયુટીમાં ઘટાડાને પગલે એક માસ અગાઉ રૂા. 2165 સુધી ગયેલા પામોલીન તેલના 15 કિલોના ભાવ હાલ ગબડીને 1545ની આસપાસ થઈ ગયા છે, તેમ છતાં કચ્છમાં ફરસાણના ભાવો કિલોએ 250થી 275 જેટલા લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કેટલાક જાગૃત ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર મોટાભાગના વેપારીઓ પામોલીનમાંથી જ ફરસાણ બનાવતા હોય છે તેમ છતાં સીંગતેલના નામે ભાવો વધુ લઈ ગ્રાહકોને છેતરી રહ્યા છે, ખરેખર તો આવા વેપારીઓ સામે સંલગ્ન તંત્ર ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરે તેવું રોષ સાથે લોકો જણાવી રહ્યા છે. તેલોના ભાવોમાં જરા જેટલો વધારો થાય કે, તરત જ વેપારીઓ ભાવો વધારી મૂકતા હોય છે પરંતુ' ડબે 30 ટકાથી વધુ ઘટાડો થયો હોવા છતાં વેપારીઓ ફરસાણના ભાવો ઘટાડવાનું નામ ન લેતાં આશ્ચર્ય સાથે રોષની લાગણી ફેલાઈ છે. વળી દીવાળી જેવા તહેવારો ટાણેય વહીવટીતંત્રના અનુરોધને પગલે ફરસાણ-મીઠાઈના ભાવ બાંધણા જેવા નાટકો કરી કિલોએ 20-40 રૂપિયા ઘટાડો કરાતો હોય છે, તેવું મત જાગૃતો જણાવી રહ્યા છે. જોકે, સીંગતેલના ડબાના ભાવો હજુયે 2700થી 2900 વચ્ચે છે, પરંતુ આ તેલનો ઉપયોગ ગણ્યાગાંઠયા જ વેપારીઓ કરી રહ્યા છે.